મહેમદાવાદ ખાતે 1555 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય રેલી યોજાઈ
હર ઘર તિરંગા અંતર્ગત દેશમાં સૌથી લાંબા તિરંગા સાથે મહેમદાવાદ ખાતે તિરંગા રેલી યોજાઈ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય ગૌરવ અભિયાન “હર ઘર તિરંગા” અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 1555 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા નીકળી.
મહેમદાવાદ ખાતે આવેલ ખાત્રજ ચોકળી સર્કિટ હાઉસથી મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ સુધી યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત જિલ્લાના અગ્રણીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
આ ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે જ્યારે દેશમાં સૌ હર ઘર તિરંગાના ગર્વના પર્વને વિવિધતા અને નવીનતાથી ઉજવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં ખેડા જિલ્લામાં મહેમદાવાદ ખાતે યોજાયેલી આ વિશાળ યાત્રા ભારતમાં સૌથી મોટા તિરંગા સાથે યોજાયેલી યાત્રા બની છે તે ગર્વની વાત છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા ખૂબ મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા