કેમિકલના બેરલો ભરેલી ટ્રક સાથે ST બસ ભટકાતા બસનો આગળનો ભાગ ચીરાયો

(પ્રતિનિધિ) ભરૂચ, દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સોમવારે સવારે ૨ અકસ્માતોની ઘટનામાં ૨ ના મોત નિપજ્યા હતા.જ્યારે ૮ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
ભરૂચ જીલ્લાના વાગરના કલમ ગામેથી ST બસ મુસાફરો અને વિધાર્થીઓને લઈ ભરૂચ આવી રહી હતી.જે વેળા દેરોલ ગામ નજીક કેમિકલના બેરલો ભરેલી ટ્રક સાથે ST બસ ભટકાતા બસનો આગળનો કંડકટર બાજુનો ભાગ ચીરી નાંખ્યો હતો.
ટ્રકમાં ડ્રમ ભરેલા હોય ઘડાકા સાથે અથડાઈ બસ અને રસ્તા ઉપર પડતા બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી.સ્થાનિકો ભેગા થઈ જતા બસમાંથી ડ્રાઈવર કંડકટર સહિત ૮ થી વધુ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હાઈવેની અમેબ્યુલન્સ સાથે બે ૧૦૮ માં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાતા માર્ગ ઉપર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અંસાર માર્કેટ પાસે બાઈક ઉપર જઈ રહેલા ૨ લોકોને અજાણ્યા વાહન ચાલકે ફંગોળતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.