‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમની મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારી
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદમાં પહોંચી રહ્યા છે. આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક પ્લાન હેઠળ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે તૈયાર કરવામાં આવેલા અને અતિઆધુનિક સુવિધા ધરાવતા મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ હેલિકોપ્ટર મારફતે પહોંચશે તેવું આયોજન થઇ રહ્યું છે. ૨૫ હજારથી પણ વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવનાર છે. અંતિમ કાર્યક્રમ ટૂંકમાં જ ફાઈનલ થઇ જાય તેમ માનવામાં આવે છે. બે કલાક સુધીના આ કાર્યક્રમમાં આતંકવાદીઓના ખાત્મા માટેની પટકથા લખાશે. તમામ લોકો જાણે છે કે, અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી હતી. હવે કેમ છો ટ્રમ્પ પ્લાન તૈયાર છે.
ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના લોકાર્પણ અર્થે આવવાના હોઇ તેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને રાજય સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે. ખાસ કરીને મોટેરા અને તેની આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાં પોલીસ અને તંત્રના માણસો દ્વારા એક પ્રકારે કહીએ તો, ઝીણવટભર્યુ સ્કેનીંગ અને સઘન ચેકીંગ ચાલી રહ્યા છે.
તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવાની તજવીજ હાથ ધરી છે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત ટાણે મોટેરા અને તેની આસપાસનો દસ કિમીનો વિસ્તાર અભેદ્ય લોખંડી કવચમાં ફેરવાઇ જશે. આ બંને મહાનુભાવોની આગામી મુલાકાતને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ખાસ કરીને રાતોરાત રોડ, રસ્તા, ફુટપાથ, દિવાલોને રંગરોગાન સહિતની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ બનાવી દેવાઇ છે. તો, વિશ્વના સૌથી મોટા એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વગર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. તેમજ જે રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. ભાટ રોડથી શરૂ કરીને સાબરમતી ટોલનાકા, પરિમલ અને કોટેશ્વર વાળો રોડ, મોટેરા ગામ અને સ્ટેડિયમ સહિત અંદાજે ૧૦ કિલો મીટર જેટલા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
સ્ટેડિયમની આસપાસના તમામ બંગલોઝ, સોસાયટી, ફ્લેટ, ચાલી અથવા તો સીંગલ મકાન હોય તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ચાંદખેડા પોલીસ, સાબરમતી પોલીસ તેમજ ઝોન-૨નો પોલીસ સ્ટાફ ઘરે ઘરે જઈ કરી રહી છે. ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે, ભાડૂઆત છે કે પોતાનું મકાન છે?, ભાડૂઆત છે તો કેટલા સમયથી રહે છે તેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે કે કેમ તે તમામ વિગતો મેળવી તેનો ડેટા બનાવવામાં આવી રહ્યો છે.
ઉપરાંત પોલીસ છેલ્લા એક બે મહિનામાં કે ૧૫ દિવસથી ભાડે રહેવા આવ્યા હોય તો તેવા તમામ લોકોની સઘન તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં કામ કરતા અને કોઈપણ કામ માટે આવતા વ્યક્તિના નામ, મોબાઈલ નંબર અને આઈકાર્ડ સાથેની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. સ્ટેડિયમની અંદરના ભાગે આવેલા હનુમાનજીના મંદિરે પણ દર્શન કરવા જતા ભક્તોને એન્ટ્રી કરાવી મંદિર પાસ લઈને જ પ્રવેશવા દેવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિને પાસ વગર અંદર જોવા મળે તો તેને બહાર મોકલી દેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બાય રોડ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચવાના છે. એરપોર્ટથી તેઓ ઇન્દિરાબ્રિજ થઈ ભાટ કોટેશ્વર રોડ પર આવશે. કોટેશ્વરથી મોટેરા ગામ રોડ પરથી સ્ટેડિયમ સુધી તેઓ પહોંચવાના છે.