કેરલના કરીપુર એરપોર્ટ પર દુબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું: પાયલોટ સહિત ૩થી વધુનાં મોત
કરીપુર એરપોર્ટ ઉપર ઉતરાણ વખતે વિમાન લપસતાં ગોજારો અકસ્માત
કેરલ, દુબઈથી આવેલાં એર ઈન્ડિયાના વિમાનને ઉતરાણ વખતે અકસ્માત નડતાં પાઈલોટ સહિત ૩નાં મોત થયાં છે. આ ઘટના શુક્રવારે સાંજે કોઝી કોડમાં આવેલાં કરીપુર એરપોર્ટ ખાતે બની હતી. ઘટના સમયે વિમાનમાં ક્રુ મેમ્બર સહિત કુલ ૧૯૧ લોકો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની વિગત એવી છે કે, એર ઈન્ડિયાનું એક પ્લેન શુક્રવારે દુબઈથી ૧૯૧ મુસાફરોને લઈને કોઝીકોડ આવવા નીકળ્યું હતું. મોડી સાંજે ૭-૪૫ વાગ્યાનાં સુમારે વિમાન કરીપુર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. જ્યાં પાયલોટે વિમાન ઉતરાણ કરાવવાનો પ્રયત્ન કરતાં વિમાન રનવે ઉપર લપસ્યું હતું અને ઘસડાઈને ખાઈમાં પડ્યું હતું. જેનાં કારણે વિમાનનાં બે ટુકડાં થઈ ગયા હતાં અને કેબિનનો ખુરદો બોલી ગયો હતો. ઉપરાંત વિમાનનો કાટમાળ રનવે ઉપર વેરણછેરણ હાલતમાં પડ્યો હતો. અકસ્માતની આ મોટી ઘટના બનતાં જ એરપોર્ટનો સ્ટાફ તથા ફાયર બ્રિગેડનાં જવાનો તુરંત વિમાન નજીક પહોંચ્યા હતાં અને મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં એક પાયલટ સહિત બે વ્યક્તિનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું. અન્ય કેટલાંયે મુસાફર ઘાયલ થયાં છે. હાલમાં બચાવકાર્ય ચાલી રહ્યું છે ત્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાનું આ વિમાન ફ્લાઈટ નં.આઈએક્સ-૧૩૪૪ હતું.