કેરળમાં ઓમિક્રોનના 4 અને દિલ્હીમાં 2 નવા કેસ મળ્યા: દેશનાં 12 રાજ્યમાં કુલ 161 કેસ

નવી દિલ્હી, દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 2 અને કેરળમાં 4 નવા કેસ મળ્યા છે. કેરળમાં હવે કુલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 15 થઈ ગઈ છે, જ્યારે દિલ્હીમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 24 થઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દિલ્હીમાં 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 12 લોકોની સારવાર ચાલી રહી છે.
દેશમાં રવિવારે ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે. એમાંથી મહારાષ્ટ્રમાં 6 અને ગુજરાતમાં 4 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 4 કેસ મુંબઈ એરપોર્ટ પર તપાસ કરતાં મળ્યા છે, જ્યારે પુણે અને પિમ્પરી ચિંચવાડમાં એક-એક ઓમિક્રોન પ્રોઝિટિવ કેસ નોંધાયો છે. દેશમાં અત્યારસુધી કુલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 161 થઈ ગઈ છે.