કેરળમાં કથળતી સ્થિતિ વચ્ચે દેશમાં ૪૭૦૯૨ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણ ફરીથી ટેન્શન વધારી રહ્યું છે. એક જ દિવસમાં ૪૭ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંકે પણ ૫૦૦ના આંકને વટાવી દીધો છે. કેરળમાં સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૨ હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૧૭૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ બીજું રાજ્ય જેમાં કોવિડ-૧૯ કેસ વધી રહ્યા છે તે છે મહારાષ્ટ્ર.
અહીં એક દિવસમાં ૪,૪૫૬ કેસ નોંધાયા છે અને ૧૮૩ દર્દીનાં મોત થયા છે. તો ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણના કેસ કાબૂમાં છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ નવા કેસ નોંધાયા છે અને એક પણ દર્દીનું મોત નથી થયું. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૭,૦૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૦૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૮,૫૭,૯૩૭ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૬૬,૩૦,૩૭,૩૩૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૧,૦૯,૨૪૪ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૦ લાખ ૨૮ હજાર ૮૨૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૫,૧૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૮૯,૫૮૩ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૯,૫૨૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૨,૪૮,૬૮,૭૩૪ કોરોના સેમ્પલનંક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
બુધવારના ૨૪ કલાકમાં ૧૬,૮૪,૪૪૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમિત લોકોની સંખ્યા ઓછી નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૩ કેસ નોંધાયા છે. જેની સામે ૧૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૧ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૭,૪૮,૦૫૧ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૪,૭૦,૦૯,૨૧૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુજરાતમાં નવા કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૬, રાજકોટમાં ૧ સહિત કુલ ૧૩ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં ૧, સુરતમાં ૧, વડોદરામાં ૫, ગાંધીનગરમાં ૨, જૂનાગઢમાં ૧ દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.SSS