કેરળમાં કોરોનાથી ૧૪,૫૩૯ લોકો સંક્રમિત થયા નવા કેસ

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ભલે ઝડપથી ઘટી રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાના વધતા ગ્રાફે ચિંતા વધારી છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ મળવાથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો છે. માત્ર કેરળમાં જ એક દિવસમાં ૧૪,૫૩૯ લોકો સંક્રમિત થતા ચિંતામાં વધારો થયો છે.
બુધવારે, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૭૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૨૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૯,૪૬,૦૭૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૭૬,૯૭,૯૩૫ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૭,૧૪,૪૪૧ લોકોને રસી આપવામાં આવી છે.
કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૪ હજાર ૭૨૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૧,૦૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૨૯,૯૪૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૧,૪૦૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૩,૫૯,૭૩,૬૩૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૧૫,૫૦૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ ઘટી ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૧ કેસ નોંધાયા છે. જેની સામે ૧૧૧૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ છે.