કેરળમાં કોરોનાની તપાસ દરમિયાન અમેરિકન યુગલ હૉસ્પિટલમાંથી ભાગ્યું: એરપોર્ટથી પકડાયું
નવી દિલ્હી : કેરળની હૉસ્પિટલમાંથી કોરોના વાયરસનો ટેસ્ટ છોડીને ભાગેલા અમેરિકન યુગલને ફરીથી પકડી લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અમેરિકન દંપતીમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદમાં બંનેને કોરોના વાયરસ સાથે જોડાયેલી તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, દંપતી કોરોના વાયરસની તપાસ વગર જ હૉસ્પિટલમાંથી નીકળી ગયું હતું. આ દંપતીને કોચી એરપોર્ટ પરથી પકડવામાં આવ્યું હતું.
દંપતીને પકડીને ફરીથી આઇસોલેશનમાં રાખવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને કેરળના અલ્લાપુઝા જિલ્લાની એક હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. અહીંથી બંને કોઈને પણ કહ્યા વગર ભાગી ગયા હતા. અલ્લાપુઝાના જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હૉસ્પિટલમાંથી ગાયબ થયેલા અમેરિકન યુગલને શોધવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકન દંપતીને કોરોના વાયરસના ટેસ્ટની સલાહ આપવામાં આવી હતી. જોકે, બંને હૉસ્પિટલમાંથી નાસી ગયા હતા. ખૂબ પ્રયાસ બાદ બંને કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મળી આવ્યા હતા. જ્યાંથી બંનેને લાવીને ફરીથી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આવો જ કેસ નાગપુરમાં સામે આવ્યો છે. નાગપુરના ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલ (માયો)માંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. તમામને કોરોના વાયરસના સંક્રમણ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના દર્દીઓ હૉસ્પિટલમાંથી ભાગી ગયાના સમાચાર વચ્ચે ઝોનલ ડીસીપી રાહુલ મકનિકરે જણાવ્યું કે, પોલીસને હાઇ અલર્ટ કરી દેવામાં આવી છે. આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. શકમંદોની સ્થિતિ કેવી હતી તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.