કેરળમાં ભારે વરસાદથી તારાજી, ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
નવી દિલ્હી, દેશભરમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઇ છે અને ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો બીજી તરફ કાશ્મીરમાં આજે તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે પહોંચ્યું છે.
કેરળના મોટાભાગના વિસ્તારોમાં જળસ્તર જોખમી સપાટી કરતા પર ઉપર પહોંચી ચૂક્યું છે. આ ઉપરાંત આગામી બે દિવસ દક્ષિણ કેરળમાં હજુ પણ ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા મધ્ય કેરળના જિલ્લાઓ એર્નાકુલમ, ઇડુક્કી અને થ્રિસુરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને આજે ફેસબુક પોસ્ટ મારફતે લોકોને અપીલ કરી હતી કે તેઓ વધુ સાવધ રહે, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં ભૂસ્ખલનનો ભય વધુ છે.
અત્યારે કેરળમાં વધુ પૂર અને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતિના કારણે શબરીમાલા મંદિરમાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.
બીજી તરફ કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચતા ચારેતરફ બરફ અને ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શનિવારે રાત્રે શ્રીનગરનું તાપમાન માઇનસ 0.9 ડિગ્રી નોંધાયું હતું અને શુક્રવારની રાત્રે માઇનસ 0.1 ડિગ્રી નોંધાયું હતું. અમરનાથયાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં અત્યારે તાપમાન માઇનસ 3.5 ડિગ્રી નોંધાયું છે.