કેરળમાં રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
નવી દિલ્હી: નવી દિલ્હીઃ જે વાતની ચિંતા હતી તે જ જાેવા મળી રહ્યું છે. કેરળમાં સતત વધતા કેસના પગલે હવે રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યાં આખા દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કેરળમાં સતત બે દિવસથી કોરોનાના ૨૨ હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે જેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જ્યાં સ્થિતિ કાબૂમાં જાેવા મળી રહી છે ત્યાં કેરળમાં છેલ્લા ૨ દિવસથી કોરોનાના દૈનિક કેસ ૨૨ હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે.
જે દેશભરના દૈનિક કેસના ૫૦ ટકાથી વધુ છે. સતત વધી રહેલા કેસને પગલે હવે રાજ્ય સરકારે ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં જુલાઈ મહિનામાં કોવિડ-૧૯ના કેસમાં ઝડપથી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને ૧૧ હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
જ્યારે દેશભરમાં મે મહિનામાં બીજી લહેરનો પીક વીત્યા બાદથી જ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પણ હવે અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪૩,૫૦૯ કેસ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં જ એક દિવસમાં ૨૨૦૫૬ કેસ નોંધાયા છે એટલે કે કુલ કેસના ૫૦ ટકાથી વધુ કેસ આ એક રાજ્યમાં નોંધાયા છે. કેરળનો સંક્રમણ દર હાલ ૧૧.૨ ટકા છે. કેરળમાં એક દિવસમાં ૧૩૧ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.