કેરળમાં ૫ દિવસની અંદર ૧.૫ લાખ કેસ નોંધાયા

કેરળમાં કોરોના વાયરસના વધતા કેસ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો માટે પણ ચિંતા ઉભી કરી રહ્યા છે
નવી દિલ્હી, કેરળમાં ફરી એકવાર કોરોનાના નવા કેસનો રાફડો ફાટી રહ્યો છે. રાજ્યમાં પાછલા ૫ જ દિવસમાં દોઢ લાખ નવા કોરોના કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસનો આંકડો ૩૦ હજારને પાર જઈ રહ્યો છે. શનિવારે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪૫,૦૦૦ નોંધાયો હતો.
કેરળમાં કોરોનાના વધતા કેસ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો માટે ચિંતા ઉભી કરી રહ્યા છે. કેરળમાં ફરી એકવાર ૩૧,૨૬૫ નવા કેસ નોંધાયા હતા, જે દેશમાં શનિવારે નોંધાયેલા કુલ કેસની સામે ૭૦%ની નજીક (૬૯.૪%) થાય છે. કેરળમાં શુક્રવારે કોરોનાના પોઝિટિવ રેટ ૧૯.૨૨% નોંધાયો હતો જેની સામે શનિવારે ઘટાડો થઈને ૧૮.૬૭% પર પહોંચ્યો હતો.
શનિવારે કેરળમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૨ લાખને પાર કરી ગયો છે. દેશના કુલ ૩.૭ લાખ એક્ટિવ કેસમાંથી કેરળમાં ૫૫% એક્ટિવ કેસ છે. ઓણમ પછી પાછલા ૫ દિવસમાં અહીં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો, આ દરમિયાન રાજ્યના એક્ટિવ કેસમાં ૫૦,૦૦૦ જેટલો વધારો થયો.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૧,૪૯,૮૧૪ કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના નવા ૪,૮૩૧ કેસ નોંધાયા હતા. અહીં પણ કોરોનાના નવા કેસમાં સામાન્ય ઉછાળો નોંધાયો છે. હજુ પણ મહારાષ્ટ્રમાં જે પ્રમાણે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. આ તરફ મિઝોરમમાં પણ સામાન્ય ઉછાળો નોંધાયો છે.
ઉત્તરપૂર્વના રાજ્યમાં શનિવારે નવા ૮૮૮ નવા કેસ નોંધાયા હતા, આ પહેલાના દિવસે અહીં ૯૦૫ કેસ નોંધાયા હતા. જે ૧૦ ઓગસ્ટ પછીનો સૌથી મોટો ઉછાળો હતો. ભારતમાં શનિવારે કોરોનાથી થયેલા દૈનિક મૃત્યુઆંક ૪૪૪ નોંધાયો હતો, જેમાંથી કેરળમાં ૧૫૩, મહારાષ્ટ્રમાં ૧૨૬, ઓડિશામાં ૬૮, તામિલનાડુમાં ૨૧ અને આંધ્રપ્રદેશમાં ૧૯નાં મોત થયા હતા.
કેરળમાં કોરોના વધતા કેસને કાબૂમાં લેવા માટે સોમવારથી રાત્રે ૧૦થી સવારના ૬ સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.