Western Times News

Gujarati News

કેરળ, અસમ અને કર્ણાટકમાં ફરી શાળાઓ ખુલી

File Photo

નવી દિલ્હી, નવા વર્ષની શરુઆતની સાથે જ દેશના ઘણા રાજ્યોમાં મહિનાઓથી બંધ પડેલી શાળાઓના દરવાજા ફરી વખત ખુલ્યા છે. કોરોના કારણે જ્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી તમામ શાળા કોલેજો પણ બંધ જ હતી. એટલે કે નવ મહિના જેટલા સમય બાદ ફરી એક વખત શાળામાં શૈક્ષણિક કાર્યોનો આરંભ થયો છે. કેરળ, કર્ણાટક અને અસમની અંદર આજથી શાળાનો આરંભ થઇ ગયો છે.

જો કે હાલ પુરતા તો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે જ શાળા ખોલવામાં આવી છે. અત્યાર સુધી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે હવે ઓફલાઇન શિક્ષણની શરુઆત આ ત્રણે રાજ્યો દ્વારા કરવામાં આવી છે. આ સિવાય બાકીના રાજ્યો પણ શાળાઓ ફરી ખોલવા અંગે વિચારણા કરી રહ્યા છે. તો ઘણા રાજ્યો એવા પણ છે જ્યાં આવતા અઠવાડિયાથી શાળાઓ શરુ થઇ રહી છે. જો કે આ પહેલા ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, સિક્કિમની અંદર શાળાઓને આશિંક રીતે ખોલવામાં આવી હતી.

કર્ણાટકની વાત કરીએ તો દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આજે શાળાએ પહોંચ્યા હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ઓનલાઇન ક્લાસ કરતા ઓફલાઇન ભણવામાં વધારે મજા આવે છે. તો આ તરફ કેરળની વાત કરીએ તો કેરળની અંદર પહેલા દિવસે શાળાઓ મોટાભાગે ખાલી રહી હતી. આ સિવાય અસમમાં પણ એ જ સ્થિતિ હતી. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વાલીઓ બાળકોને શાળઆએ મોકલતા ખચકાટ અનુભવી રહ્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે શાળાની અંદર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય વિદ્યાર્થીઓએ વાલીઓનું સંમતિપત્ર દર્શાવવું ફરજિયાત છે. આ સિવાય બિહાર, પોંડિચેરી, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયાથી શાળાઓ ખુલે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.