કેરળ નવા કેસોની સંખ્યામાં ૭ દિવસે મહારાષ્ટ્રથી આગળ
નવી દિલ્હી: દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો ગુરુવારે ૬ લાખથી નીચે આવી ગયો છે. કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે માત્ર ૮ દિવસમાં એક લાખ કેસોનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ૫ ઓગસ્ટ પછી એટલે ૮૫ દિવસ પછી પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યામાં આટલો ઘટાડો નોંધાયો છે. ગત એપ્રિલ મહિનામાં દેશમાં કોરોના મહામારી ફેલાવાનું શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલી વખત મહારાષ્ટ્ર દર સપ્તાહે સરેરાશ કેસોની બાબતમાં લિસ્ટમાં ટોપ પર જ રહ્યું છે.
જોકે, છેલ્લા ૧૦ દિવસમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ રવિવારે પૂરા થયેલા સપ્તાહે કેરળે મહારાષ્ટ્રને નવા કેસોની ૭ દિવસની સરેરાશની બાબતમાં પાછળ છોડી દીધું. આ પહેલા સાત દિવસના નવા કેસોની સંખ્યાની બાબતમાં અત્યાર સુધી કોઈ રાજ્ય મહારાષ્ટ્રની નજીક નહોંતું પહોંચ્યું. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આંધ્ર પ્રદેશ નજીક પહોંચ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રને ઓવરટેક નહોંતું કર્યું. નવા કેસોના મામલે કેરળે નંબર-૧ રાજ્યનું સ્થાન મેળવ્યું કેમકે, મહારાષ્ટ્રમાં સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
અને કેરળમાં સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં દરરોજ નોંધાતા કેસોની સાત દિવસની એવરેજ ગત ૧૭ સપ્ટેમ્બરે પીક પર ૨૨,૧૪૯ કેસોની હતી, જેમાં બે તૃતિયાંશ કરતા વધુનો ઘટાડો થઈ ૨૮ ઓક્ટોબરે ૬,૧૫૮ કેસ નોંધાયા હતા. કેરળમાં ૧૫ ઓક્ટોબરે કોરોનાના કેસ પીક પર હતા. આ દિવસે ૮,૪૪૦ કેસ નોંધાયા હતા. ૨૮ ઓક્ટબરે સામાન્ય ઘટાડા સાથે ૭,૦૮૯ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૫,૯૮,૯૪૬ નોંધાઈ હતી. ૧૭ સપ્ટેમ્બરે એક્વિટ કેસોની સંખ્યા પીક પર હતી.
ત્યારે ૧૦,૨૬,૯૪૫ એક્ટિવ કેસ નોંધાયા હતા અને ત્યારથી એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૫ ઓગસ્ટ પછી આ સૌથી એક્ટિવ કેસ છે. દેશમાં ગુરુવારે ૪૯,૦૭૦ નવા કેસ નોંધાયા અને તે સાથે કુલ કેસોની સંખ્યા ૮૦,૮૮,૧૮૨ થઈ ગઈ. ગુરુવારે નોંધાયેલા કેસો બુધવાર કરતા થોડા ઓછા છે. બુધવારે દેશમાં ૫૦,૨૨૪ નવા કેસ નોંધાયા હતા.
એક દિવસમાં કુલ ૫૫૪ લોકોના મોત થયા હતા, જે છેલ્લા ૫ દિવસમાં સૌથી વધુ હતા. ગત રવિવારે કોરોનાથી મોતનો આંકડો ઘટીને ૪૮૯ થયો હતો. દિલ્હીમાં કોરોના મહામારીનો ત્રીજો તબક્કો શરૂ થવાની દહેશત વચ્ચે ગુરુવારે ૫,૭૩૯ નવા કેસ નોંધાયા. જે એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે નવા ૫,૯૦૨ કેસ નોંધાયા, તે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૧૬,૬૬,૬૬૮એ પહોંચી ગઈ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.