કેરળ: ફરી વધ્યું બર્ડ ફ્લુનું જોખમ: 25 હજાર મરઘીઓને મારી નાખવામાં આવશે
નવી દિલ્હી, કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ફરી એક વખત બર્ડ ફ્લુનું જોખમ મંડારાઈ રહ્યું છે. ત્યાંના વેચુર, અયમાનમ અને કલ્લારા ખાતે બર્ડ ફ્લુના 03 કેસ નોંધવામાં આવ્યા છે તથા બધા સેમ્પલને તપાસ માટે ભોપાલની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થામાં મોકલવામાં આવ્યા છે. અચાનક નવા કેસ આવવાના કારણે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, સંક્રમણને રોકવા માટે બતકો અને મરઘીઓને મારવાનું શરૂ કરી દેવામાં આવશે. બુધવારે લગભગ 25,000 જેટલા મરઘાઓ અને બતકોને મારી નાખવામાં આવશે.
કેરળના અલપ્પુઝા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કેટલાક સેમ્પલમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ ત્યાર બાદ ઠાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10માં લગભગ 12,000 બતકોને મારી નાખવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ત્યાંથી 140 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેમાં 26 સેમ્પલમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ હતી.
રાજ્યમાં ઝડપથી વધી રહેલા કેસોને જોતા પ્રભાવિત વિસ્તારમાં કેટલાક પ્રકારના પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. તે વિસ્તારોમાં બતક, મરઘી, ક્વેઈલ સહિતના ઘરેલું પક્ષીઓના ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, નિયમનું ઉલ્લંઘન કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.