કેરાલામાં એક માસમાં ૨૮ હજાર લોકોને બિલાડી કરડી
કેરાલા: સામાન્ય રીતે શેરીઓમાં રખડતા કૂતરાઓ હિંસક બનીને લોકોને કરડતા હોય છે. ભારતના તમામ રાજ્યોમાં રખડતા કૂતરાઓની પરેશાની લોકો વેઠી રહ્યા છે.
જાેકે કેરાલાના લોકો માટે બિલાડીઓ મુસીબત બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કુતરાઓ કરતા બિલાડીઓ કરડતી હોવાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ ૨૮૦૦૦ લોકોને બિલાડીઓ કરડી હોવાના કેસ સામે આવ્યા છે.
સરકારે પોતે આરટીઆઈ હેઠળ થયેલી અરજીના જવાબમાં આ આંકડો આપ્યો છે. સરકારના આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી કુતરાઓ કરતા બિલાડીઓ કરડવાથી સારવાર લેવા માટે આવતા લોકોની સંખ્યા વધી છે. જાન્યુઆરી મહિનામાં કુતરા કરડવાની ૨૦૦૦૦ અને બિલાડીઓએ બચકુ ભર્યુ હોય તેવા ૨૮૦૦૦ કેસ નોંધાયા હતા.
રાજ્યની પ્રાણી પ્રેમી સંસ્થાએ આ જાણકારી માંગી હતી.આંકડા પ્રમાણે ૨૦૧૬માં બિલાડીઓ કરડી હોવાના ૧.૬૦ લાખ જેટલા કિસ્સા નોંધાયા હતા અને ૨૦૨૦માં આ આંકડો વધીને ૨.૨૦ લાખ પર પહોંચી ચુક્યો છે. આમ પાંચ વર્ષમાં બિલાડી કરડવાની ઘટનાઓમાં ૧૨૮ ટકાનો વધારો નોંધાયો છે. સરકારી આંકડા પ્રમાણે ૨૦૧૬માં કુતરા કરડવાના ૧.૨૫ લાખ કેસ નોંધાયા હતા અને ૨૦૨૦માં આવા ૧.૬ લાખ કેસ સામે આવ્યા હતા. હડકવાના કારણે પાંચ લોકોના ગયા વર્ષે મોત પણ થયા હતા.