કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ ફટકારાયો
ચંદીગઢ, કંઝ્યૂમર ફોરમે બિગ બજાર પર ગ્રાહક પાસેથી કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ ફટકાર્યો છે. ફોરમ વિભાગે બિગ બજારને દસ હજાર રૂપિયા કંઝ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરાવવાની સાથે ફરિયાદકર્તાને ૫૦૦ રૂપિયાનો કેસ ખર્ચ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ફરિયાદકર્તાને થયેલી માનસિક પરેશાની માટે એક હજાર રૂપિયા અને કેરી બેગ માટે વસૂલવામાં આવેલા ૧૮ રૂપિયા પણ પરત આપવા માટે કહ્યું છે.
પંચકુલા નિવાસી બલદેવે ફોરમને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે ૨૦ માર્ચ ૨૦૧૯ના રોજ બિગ બજારમાં શોપિંગ કરવા માટે ગયા હતા. બિલિંગ એકાઉન્ટ કર્મચારીએ તેની પાસે કેરી બેગ માટે ૧૮ રૂપિયા અલગથી વસૂલ્યા હતા. તેના માટે બલદેવે ના પાડી અને કહ્યું કે આ ગેરકાયદેસર છે પરંતુ કર્મચારી માન્યો નહી.
પરેશાન થઇને બલદેવે કંઝ્યૂમર ફોરમનો દરવાજો ખખડાવ્યો. તો બીજી તરફ બિગ બજારે પોતાના પક્ષમાં દલીલ રાખતાં કહ્યું કે કેરી બેગના ર્ચાજિંસ વિશે તેમણે સ્ટોર પર ડિસ્પ્લે કર્યું છે અને તેના વિશે ગ્રાહકને પણ જણાવવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ કંઝ્યૂમર ફોરમે પોતાનો ફેંસલો સંભળાવ્યો છે.