કેલિફોર્નિયામાં ૫૦૦૦ બોડી બેગ, ૬૦ રેફ્રિ. ટ્રકો મગાવાઈ

વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં મંગળવારના રોજ માત્ર ૨૪ કલાકના સમયગાળામાં કોરોના વાયરસના કારણે ૩૦૦૦ કરતા વધુ દર્દીઓના મોત થયા છે. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં વધુ ૫૦૦૦ બોડી બેગ્સનો ઓર્ડર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી બાજુ ત્યાં ૧૨ જેટલી મોબાઈલ શબવાહિનીને હાજર રાખવામાં આવી છે.
અમેરિકાના કેલિફોર્નિયાના ગવર્નરે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં કોરોનાના કારણે થતાં મોતની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. કેલિફોર્નિયાના કુલ ૩ શહેરોમાં વધુ ૫૦૦૦ બોડી બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય કેટલાંક શહેરોમાં રેફ્રિજરેટર્ડ ટ્રક્સ પણ હાજર રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસની આ મહામારીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં ૧૭ હજાર કરતા વધારે અમેરિકન્સના મોત નીપજ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૭,૩૯૪,૩૧૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૪,૬૨૯ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે બીજી બાજુ અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૦,૧૭૦,૭૮૮ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. અમેરિકાના કેટલાંક નિષ્ણાતોના જણાવ્યા મુજબ માત્ર કોરોના વેક્સિનથી આ મહામારીમાંથી બચી શકાશે નહીં, આ માટે ભીડ કરવી નહીં તેમજ માસ્ક પહેરવું જરૂરી છે.
આગામી દિવસમાં શરૂ થઈ રહેલો ક્રિસ્મસનો તહેવાર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન અમેરિકાના લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. કેલિફોર્નિયાના લા પબ્લિક હેલ્થએ ટિ્વટ કરતા જણાવ્યું કે તારીખ ૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાં વધારો નોંધાયો છે. અમારી વિનંતી છે કે મહેરબાની કરીને ઘરમાં રહો અને લોકોની સાથે ભેગા થશો નહીં. હવે કોરોનાના કેસ વધે તેવું પરવડે તેમ નથી કારણકે હોસ્પિટલ પાસે અગાઉથી જ ઘણો ભાર છે.SSS