કેવડિયા કોલોનીમાં સર્કિટ હાઉસમા પ્રભારી સચિવ હૈદરે કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાંલેવા અનુરોધ કરાયો
રાજપીપલા: જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે કેવડિયા કોલોનીમાં સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ, આરોગ્ય અને વન વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં પર્યટનનું વિશાળ કેન્દ્ર છે, ત્યારે આ સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાં ખૂબજ મહત્વના હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેવડિયા કોલોનીના સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મદદનીશ કમિશનર અને નાયબ વહિવટદાર નિલેશ દુબે, પ્રાંત અધિકારી કે. ડી. ભગત, SDPO વાણી દૂધાત, કેવડીયાના નાયબ કલેકટર અને વહીવટદાર નિકુંજ પરીખ, પ્રોટોકોલના નાયબ કલેકટર બી. એ. અસારી, નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરશ એમ. એલ. પટેલ, બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. એ કે. સુમન વગેરે સહિતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા હૈદરે જણાવ્યુ હતું કે, વિકાસની સંભાવનાઅને ક્ષેત્રે નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી પામેલ છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોને અને ખાસ કરીને મહિલાઓને તેમના કૌશલ્ય મુજબ રોજગારીની સારી તકો મળી રહે તે અંગે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેઓએ લોકડાઉનના સંદર્ભમાં ગ્રામજનોની રોજગારીની પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી માહિતગાર થયા હતા. તેમણે તાજેતરમાં હાથ ધરાયેલ કેળાની છાલમાંથી ફાઇબર (રેસા) બનાવવાના વિશેષ પ્રોજેક્ટ અંગેની પણ જાણકારી આપી હતી. આ બેઠકમાં કેવડીયા અને આસપાસના ગામોના પ્રશ્નો અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.