Western Times News

Gujarati News

કેવડીયાના વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના મોદી દ્વારા લોકાર્પણ

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણામાં આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કર્યા હતા. આ વેળાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્‌સના લોકાર્પણ સંપન્ન કર્યા હતા. આ તમામ પ્રોજેકટસ સ્ટેચ્યુ ઑફ યુનિટીના આકર્ષણમા વધારો કર્યો છે

જે પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે. કેવડીયા ખાતે આ લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ ડૉ.અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવ ડૉ.રાજીવ ગુપ્તાએ આ પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી વડાપ્રધાનને આપી હતી. આ બધા જ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે.

આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીજીએ ટ્‌વીટ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પોષણને સ્પર્શતા અનેકવિધ આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે.

અહીંનું એક મહત્વનું આકર્ષણ છે ટ્રેન રાઈડ, જે તમને અલગ-અલગ સ્થળે લઇ જઈને વિધવિધ આકર્પણો દર્શાવશે. આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્‌વીટ કરતા જણાવ્યું હતું  કે, આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ છે.

એકતા મોલના ઉદ્‌ઘાટન સમય વડાપ્રધાન મોદી અત્યંત રોમાંચ અનુભવતા હતા, આ સ્થળ વિષે શાબ્દિક નિરૂપણ કરતા તેમણે જણાવ્યું હતું કે, એકતા મોલ ભારતના વૈવિધ્યપૂર્ણ હસ્તકલાના વારસાને એક જ સ્થળે પામવાનું સંગમસ્થાન છે. અહીં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારતના રાજ્યોએ નિરૂપિત કરેલા હસ્તકલાના નમૂનાને માણ્યા હતા. માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે.

આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.