કેવડીયા ખાતે અદ્યતન કૌશલ્ય તાલીમ કેન્દ્ર નિર્માણ કામગીરીનો પ્રારંભ
વિવિધ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ યુવાનો-ખેડૂતો- સ્વસહાય જૂથ-મહિલાઓ વગેરેને તાલીમબધ્ધ કરવાનો લક્ષ
કેવડીયામાં વાગડીયા ખાતે અંદાજે રૂા. ૧૫ કરોડના ખર્ચે પામનાર સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્રનું કેન્દ્રિય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે ખાતમુહુર્ત કરી કર્યો શિલાન્યાશ
રાજપીપલા, મંગળવાર – કેન્દ્રિય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન કેવડીયા કોલોનીના વાગડીયા ગામે અંદાજે રૂા. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્રનું ખાતમુહુર્ત કરી શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત સરદાર સરોવર નર્મદા નિગમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
GMR વરલક્ષ્મી ફાઉન્ડેશન તથા સરદાર સરોવર નર્મદા નિગમના સંયુક્ત સાહસ થકી શરૂ થનાર આદિજાતિ યુવાઓ માટેનું આ ઔદ્યોગિક કૌશલ્ય વિકાસ કેન્દ્ર એક એકર જમીનમાં ઉભું થશે. કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેની વધુ એક પહેલરૂપે આ અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે.
કેવડીયા ખાતે અંદાજે ત્રણ હજારથી વધુ લોકોને રોજગારીનો પ્રત્યક્ષ લાભ મળે છે અને મોટી સંખ્યામાં અન્ય આનુસંગિક પ્રવૃત્તિઓમાં પણ પરોક્ષ રોજગારી પુરી પડાતી હોઇ, સ્થાનિક કક્ષાએ આ કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાનિક યુવાનો અને મહિલાઓનું કૌશલ્ય વર્ધન કરીને તેમને રોજગારી માટે સક્ષમ બનાવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક નિવાસી કેન્દ્ર હશે જેમાં એક સાથે ૧૦૦ યુવાઓને સમાવી શકાય તેવા સુવિધાસભર આ કેન્દ્ર રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફેમવર્કમાં ગોઠવાયેલા ઘણા કૌશલ્ય અભ્યાસક્રમો નિઃશુલ્ક ચલાવાશે. મોટા ભાગના અભ્યાસક્રમો કેવડીયામાં જ પર્યટન અને આતિથ્યની જરૂરિયાતોની માંગને ધ્યાનમાં લઇને શરૂ કરવામાં આવશે. જેમાં ફુડ એન્ડ બેવરેજનો કારભાર, રૂમ એટેન્ડન્ટ, મિકેનીકલ, હાઉસ કીપીંગ, વિશેષરૂપે ડ્રેગન ફ્રુટ પ્રોસેસીંગ, સાબુ બનાવવાની રીત વગેરે જેવા અભ્યાસક્રમોનો સ્થાનિક યુવાઓ-મહિલાઓ તથા વિવિધ સ્વસહાય જૂથો વગેરે માટે આશિર્વાદરૂપ બનશે.
આ કેન્દ્રમાં દર વર્ષે તેના વિવિધ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા ૫૦૦ થી ૬૦૦ યુવાનો, ખેડૂતો, સ્વસહાય જૂથ મહિલાઓને તાલીમ આપવાનો લક્ષ ધરાવે છે. આમ ઉદ્યોગ સાહસિકતાના વિવિધ અભ્યાસક્રમો કારકિર્દી પસદગી અંગેનું માર્ગદર્શન અને નોકરી ઇચ્છુકો માટે વ્યવસાયલક્ષી તાલીમ જેવી અન્ય પ્રવૃત્તિઓ થકી સ્થાનિક યુવાનો અને મહિલાઓને તેમના કૌશલ્ય વિકાસ દ્વારા સશક્તિકરણ અને રોજગારી પુરી પાડવા માટે આશિર્વાદરૂપ બની રહેશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય સંયુક્ત સચિવશ્રી શિલ્પક અંબુલે, નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, GMR ગૃપના ચેરમેનશ્રી જી.એમ.રાવ, નિગમના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટરશ્રી સંદિપકુમાર, મંત્રીશ્રીના અંગત સચિવશ્રી રવિ અરોરા, જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સહિત જિલ્લા પ્રસાશન, નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉક્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે કેવડીયા ખાતે એકતા મોલ ખાતે વિવિધ રાજ્યોના એમ્પોરિયમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્કની પણ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ એકતા મોલ અને ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્ક અંગેની વિસ્તૃત જાણકારી આપી મંત્રીશ્રીને તેનાથી વાકેફ કર્યા હતા.