પ્રધાનમંત્રી કેવડીયા ખાતે સૈન્ય અધિકારીઓને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ ભાજપના સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) કેવડીયામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેવડિયા ખાતે યોજાનાર કોન્ફરન્સને સંબોધન કરશે. 3 થી 6 માર્ચના રોજ, કેવડિયાના ટેન્ટ સિટી ખાતે, સૈન્ય અધિકારીઓની ત્રણ દિવસ સુધી કોન્ફરન્સ યોજાઈ રહી છે.
આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી સાંજે દિલ્લી પરત ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૈન્ય અધિકારીઓની આ બેઠકમાં બાહ્ય અને આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ ચર્ચા કરવામાં આવશે. અને આંતરરાષ્ટ્રીય પરિબળોને ધ્યાને રાખીને ભવિષ્યની જરૂરીયાત બાબતે મંથન કરાશે.