Western Times News

Gujarati News

કેવા સાસુ-વહુના સંબંધો પ્રભુને ગમે?

માણસ વિશ્વમાં વિચરે, અંતિમ વિસામો ઘર | સાસુ-વહુ બને એક તો, ઘરમાં ઊતરે સ્વર્ગ ||

સંસારમાં દીકરાને પરણાવીએ અને ઘરમાં વહુ આવે ત્યારે વધુમાં વધુ હર્ષઘેલી દીકરાની ‘મા’ બનતી હોય છે. મારા ઘરમાં ઘરની રાણી આવી. તે તો કુમકુમ પગલાંની છે, તેના પગલે ઘર ભર્યું ભર્યું લાગે છે. તે તો ચંદ્રમુખી છે. આમ તેની સાસુ વખાણ કરતાં ધરાય નહિ. પણ ધીરે ધીરે ચંદ્રમુખી વહુ સૂર્યમુખી થાય ને પછી જ્વાળામુખી થાય.

તે બોલે અને ઘરમાં અગ્નિની જ્વાળાઓ પ્રસરે એવું ન બનતાં કાયમ વહુ ચંદ્રમુખી જ રહે તે માટે ઘરમાં સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાયનું બીજું નામ સમજદારી. જે વહુ ઘરમાં આવી છે તે અમારા ઋણાનુંબંધ છે, કર્માનુબંધ છે ને તે મુજબ જ પ્રભુએ મોકલેલી છે.

વહુએ પણ એ જ સમજ કેળવવી કે ઘર-વર ને સંબંધો મળ્યા છે તે મારા કર્મોએ કરીને પ્રભુએ જ ગોઠવેલ છે. હવે આ ઘર જ મારું મંદિર છે. હું અને તેમાં રહેનાર બધા દેવ છે. પુત્રવધુના આદર્શ મુજબ તેમની સેવા એ જ મારી પ્રભુપૂજા છે.

આ સમજણે જેમ દૂધમાં સાકર ભળી જઈ પોતાનું અસ્તિત્વ દૂધમાં ઓગાળી દઈ દૂધનું ગળપણ વધારે છે તેમ પુત્રવધુ પણ ઘરમાં પ્રિયભાષી, મિતભાષી, મૃદુ સ્મિત વેરતી, ભાવ આપતી, પ્રેમ આપતી, ગીતા-શ્લોક ગાતી ઘરને ભર્યું ભર્યું રાખે અને પ્રભુપરાયણ રહી, કુટુંબ પ્રાર્થના કરાવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વૈભવલક્ષ્મી આવે જ.

સામે સાસુને પણ આદર્શ સાસુ બનવું રહ્યું. એક ઘરમાં નવી નવી વહુ પરણીને સાસરે આવેલી. તેના નાકે નથની પહેરેલી, પણ બન્યું એવું કે ઘરકામ કરતાં, હરતાં–ફરતાં કોઈ જગ્યાએ નથની ખોવાઈ ગઈ. નવી જ વહુ ખૂબ જ બૅચેન બની ગઈ. સાસુને ખબર ન પડે અને ઘરમાં જ્યાં ત્યાં ખોળતી રહે. પણ નથની જડે નહિ.

સમજદાર સાસુને સમજણ પડી ગઈ કે વહુના નાકે નથની અઠવાડિયાથી નથી તે ખોવાઈ લાગે છે અને મારાથી ખાનગી જ્યાં ત્યાં ખોળતી રહે છે. મારા ભયના કારણે તે મને કહી શકતી નથી. સાસુ ખાનદાની હતી, તે બજારમાં ગઈ અને સોનાની સારી નથની લઈ આવી.

વહુને બાથમાં ઘાલીને કહ્યું બેટી તારા માટે હું નથની લાવીશું તે પહેરી લે. હજુ તું નાની છે એટલે નથની વિનાનું નાક સારું ન લાગે. વહુ આવા સાસુના વર્તનથી ભાવવિભોર બની ગઈ. આંખમાં ભાવના આંસુ લાવી સાસુના પગે પડી, બોલી બા હું તો સમજતી હતી કે સાસુ મને કેવું લડશે અને શું થશે.

પણ તમારા હૃદયની વિશાળતા જાેઈને કહું કે મારી જનેતા બાના કરતાં તમે મને વધુ પ્રેમ કર્યો છે. સાસુએ કહ્યું બેટા નથની તો બીજી બજારમાંથી લાવી શકાય પણ મારા પ્રત્યેનો તારો વિશ્વાસ, ભાવ અને પ્રેમ તૂટી જાય તો તે કોઈ બજારમાંથી મળે નહિ એ હું સમજુ છું. તારી જાેડે મારે સારી જિંદગી રહેવાનું છે.

તારા-મારા વચ્ચેનો પ્રેમનો તાંતણો તૂટે નહિ એવું હું ઇચ્છુ છું. બીજે દિવસે વહુએ પોતાની જનેતા બાને ટપાલ લખી કે બા મને લાગતું હતું કે તારો પ્રેમ, ભાવ, સ્નેહના બંધનમાંથી નિકળીશ પછી તે મને ક્યાંય નહિ મળે, પણ સાચું કહું છું બા, મારી સાસુનો ભાવ, પ્રેમ, સ્નેહ સમજણપૂર્વકનો હોઈ હું તને સમય જતાં ભૂલી જઈશ.

સાસુના વિશાળ હૃદયમાં હું ડુબી જાઉં છું, ખોવાઈ જાઉં છું, ભગવાન બધી છોકરીઓને આવી સાસુઓ આપે એવી પ્રાર્થના. ઘરને બહેનો સ્વચ્છ રાખે છે, શણગારે છે, સજાવે છે પણ સાથે સાથે ઘરને સંસ્કારવાનું કામ કરવું જાેઈએ. સાસુ-વહુ એક બને તો સંસ્કારતાં વાર નહિ લાગે. તે માટે ઘરમાં દરરોજ અડધો કલાક રામાયણ, મહાભારત જેવા જીવંત ગ્રંથોનું સાસુ, વહુ, બાળકોએ અનુકુળતાએ જાેડે બેસી વાંચન કરવું, ચર્ચા કરવી,

જેથી દરેક પાત્રોનું તેમાંથી જીવનભાથું મળતું રહે. સ્ત્રી માતા બનતાં પોતાનાં નાનાં બાળકને સૂતી વખતે રામાયણ-મહાભારતની વાર્તાઓ સંભળાવે, કુમળા મગજના બાળકને આ સંસ્કારો જીવનપર્યંત શક્તિ અને પ્રેરણા આપતા રહે છે. જાેડે જાેડે કહેનારને પણ પોતાનો અભ્યાસ પાકો થતો જાય છે

અને તે રીતે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મજબૂત બનતી જાય. નૈતિક મૂલ્યો ઉપર વિશ્વાસ દૃઢ થતો જાય. જીવનને દૈવી આકાર મળતો જાય. તેમાંથી બુરા દેખના નહિ, બુરા સુનના નહિ, બુરા બોલના નહિ-આ ગાંધીજીનો રાખેલો આગ્રહ સરળ બનતો જાય. ઘરને મંદિર બનાવવા સાસુ-વહુઓ ભગવાનને કેન્દ્રમાં રાખી પ્રભુને ગમતું જીવન બનાવવા પ્રયત્ન કરશે તો ઘર બદલાશે, કુટુંબ બદલાશે, સમાજ બદલાશે અને રાષ્ટ્ર પણ બદલાશે. આવો દૈવી પ્રયત્ન કરનાર સાસુ-વહુ પ્રભુને જરૂર ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.