Western Times News

Gujarati News

કેવી ગૃહિણી પ્રભુને ગમે?

ઘરની લક્ષ્મી ગૃહિણી, ઘરને કરે મંદિર |
ભાવ પ્રેમ આપી સહુને, આપે સુસંસ્કાર ||

ગૃહસ્થાશ્રમમાં ગૃહિણી એ ઘરની લક્ષ્મી છે ઘરની શોભા છે ઘરને સ્વચ્છ રાખવું, શણગારવું, સજાવવું ઉપરાંત સંસ્કારવું. આ મહત્વની વાત છે. તેના માટે ગૃહિણીમાં પ્રભુ પ્રત્યે અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ હોવા જાેઈએ. મને જે ઘર અને વર મલ્યા છે તે પ્રભુએ જ આપ્યા છે, મારા કર્માનુબંધ અને ઋણાનુંબંધથી મળ્યા છે, તો મારે મારું ઘર પ્રભુનું મંદિર બનાવવા માટે દૈવી સંસ્કારોને મારી જીવન-પ્રણાલીમાં વણવા પડશે.

તે માટે સવારે દિવસ ઊગ્યા પહેલાં ઊઠી જવું, ઊઠતાં જ કરદર્શન કરવું, કરાગ્રે વસતે લક્ષ્મી. પછી ધરતીને નમસ્કાર અને જગતગુરુ કૃષ્ણને નમસ્કારના ત્રણ શ્લોકો બોલવા. પથારી વાળી ઘરને સાફ કરી, સ્નાન કરી પછી રસોડામાં જવું. સારી રીતે ઊંઘેલા હોય એટલે મનમાં સ્ફુર્તિ ન હોય, શરીર પણ અસ્વચ્છ હોય તેવી હાલતમાં રસોડામાં જઈ રસોઈ કરાય નહિ.

રસોઈ કરતી વખતે મન સ્ફુર્તિદાયક પ્રસન્ન હોવું જાેઈએ. મુખેથી સારા શ્લોકો-સ્તોત્રોનું પારાયણ થતાં થતાં રસોઈ થવી જાેઈએ. ફિલ્મી ગીતોથી નહિ, જેવા ગીતો હોય તેવા પરમાણુઓ ઘરમાં દાખલ થાય છે.

રસોઈ એ મારા ઘરના તમામ સભ્યોના હૃદયમાં બેઠેલા ભગવાનને જમવાનું નૈવેદ બનાવું છું. તેવી સાચી અને સમજપૂર્વકની ક્રિયાથી રસોઈ થાય તો ખાનારની બુદ્ધિ પવિત્ર થાય જ.

રસોઈ પણ સાત્વિક-પૌષ્ટિક-સ્વાદિષ્ટ તેમજ આંખને ગમે તેવી રીતની જાેઈએ. સ્ત્રીએ પાકશાસ્ત્ર મુજબ જુદી જુદી વાનગીઓ બનાવવામાં પારંગત થવું જાેઈએ.

આ સ્ત્રીઓનું સ્વધર્મ કર્મ છે. આપણા ભગવાનને પણ આપણે છપ્પનભોગ ધરાવતા હોઈએ છીએ, આપણે પ્રભુના દીકરા એટલે આપણે પણ જુદા જુદા રસો કડવો-તુરો-ખારો-ગળ્યો જેવા બધા જ રસો શરીરને જરૂરી છે. તો તે મુજબની જુદી જુદી વાનગીઓ બનાવીને ઘરના તમામ સભ્યોને જમાડવામાં જ પોતાને આનંદ લાગવો જાેઈએ. મારા હાથની જ રસોઈ હું બધાને જમાડું આ ભાવનાવાળું કર્મ જ ગૃહિણીની પ્રભુપૂજા છે.

ઘરમાં મધુરભાષા, મૃદુભાષી, મીતભાષી તેમજ હિતભાષી અને પ્રસન્નતાવાળું સ્મિત હસતા ચહેરે રહેવું જાેઈએ. ઘરના પુરુષવર્ગમાં ધંધા અર્થે યા તો ઘરકામમાં પ્રસંગોપાત કંઈ ઉગ્રતા આવે તેવા ટાઈમે પણ મુખ, આંખ અને મન પર બદલાવ ન લાવતાં, ઘરના ઝેરને પી લઈ મધુર વાણીથી પ્રસંગને હળવો બનાવવાની કલા પણ ગૃહિણીએ અપનાવવી.

ઘરના વડીલોને સવારે ભાવપૂર્ણ રીતે પગે લાગવું. બાળકોમાં પણ તે સંસ્કાર પાડવા. આનાથી વડીલોનો પ્રેમ જીતી શકાય છે. આવા વર્તનથી ઘરમાં મતભેદો ટકશે નહિ. ક્ષણિક રહે છે.

બીજાે એક સંસ્કાર છે કુટુંબપ્રાર્થનાનો. આપણા ઘરમાં આપણો ભગવાન વડીલોનો પણ વડીલ છે. તો તે ભગવાનના સાનિધ્યમાં ઘરના તમામ સભ્યો દશ મિનિટ માટે સમૂહપ્રાર્થનામાં બેસે તો તે રીતે ભગવાનને આપણા ઘરના વડીલ સભ્ય બનાવીશું તો ઘરના વિકાસમાં તેમની શક્તિ જરૂર આવશે અને આપણું ઘર ભર્યું ભર્યું લાગશે.

સાથે સાથે ઘરના ભણતા બાળકોને પણ સવારના દિવસ ઊગ્યા પહેલાં ઉઠાડવા અને તેમને તે ટાઈમે વાંચવા-લખવા બેસાડવા. સવારના તે પ્રહરે જે અભ્યાસ થાય છે તે ઓછા ટાઈમમાં વધુ લાભદાયી હોય છે. તે ટાઈમે બાળકો વધુ એકાગ્ર થઈ શકે છે. જાેડે જાેડે બાળકોને સંગ-કુસુંગમાં ગુટકા-તમાકુ-ગાંજાે-ચરસ-ઈંડા-માસ વિગેરે દુષણો ન પેસી જાય તેની પણ જીણામાં જીણી કાળજી રાખવી.

ઘરના હર કોઈ સભ્યોએ સાંજે વહેલા દશ વાગે તો સૂઈ જ જવું. રાત્રે મોડા બાર-એક વાગ્યા સુધી જાગવું તે નિશાચર પ્રાણીને લગતું ગણાય. તો વહેલા સૂવું જેથી સવારે વહેલા ઊઠી શકાય. દિવસ ઊગ્યા પછી ઉંઘનારને શરીર ઉપર તેમ જ મન ઉપર ખરાબ અસરો નિસર્ગની રૂએ થાય છે. મોડા ઊઠનાર ખોટા છે, છતાં ખોટાનું સમર્થન કરી જીવન બગાડે છે. જાતને દગો આપે છે.

બીજી વાત આપણી વૈદિક સંસ્કૃતિના આધારસ્થંભ ગણાતા રામાયણ અને મહાભારત ગ્રંથોના જીવંત ચરિત્રો–જેવાકે રામ-લક્ષમણ-ભરત-હનુમાન, કૃષ્ણ, અર્જુન, અભિમન્યુ, સીતા, સાવિત્રી, દ્રૌપદી, કુંતી, કૌશલ્યા વિગેરેના ગુણોને વાર્તામાં વણી. સાંજે સુતાં સુતાં બાળકોને સંભળાવવા. તે ચરિત્રોથી જીવનમાં ભવિષ્યમાં પ્રેરણા અને શક્તિ મળતા રહે છે.

પાણી પીએ મૂળ ખીલે ડાળીફૂલ તે ન્યાયે બચપણથી જ આ સંસ્કારો અપાય તો આખા ઘરનો સર્વાગીણ વિકાસ થઈ શકે છે. સંસ્કારોની સૌરભ મહેકી ઊઠશે તેવા ઘરોને પ્રભુનું પીઠબળ મળશે. તેવા ઘરોમાં પ્રભુ ખીલી ઊઠશે. આવા દૈવી સંસ્કારો ઊભા કરનાર ગૃહિણીઓ પ્રભુને જરૂર ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.