કેવો પડોશી ધર્મ પ્રભુને ગમે? મારા થકી પડોશીને કોઈ તકલીફ તો નથી ને…!!
પડોશી સાથેના સંબંધોમાં આપણે આપણું નિરીક્ષણ કરવું કે મારા થકી તેમને કોઈ તકલીફ તો થતી નથી.-ગંદકી, પ્રદુષણ પણ આપણા દ્વારા પડોશીને ન થવું જાેઈએ તેની કાળજી રાખવી.
માનવ માત્રને સુખ, શાંતિ અને આનંદથી જીવવાની ઇચ્છા ઊંડે ઊંડે હોય જ છે. પણ તેના માટેની જે રીત એટલે કે કોસ્ટક સાચું આવડતું ન હોય તો જવાબ સાચો આવતો નથી, સુખ શાંતિ આનંદને માણી શકતો નથી. તે માણવા માટે પ્રથમ ઘરમાં તેને માતા, પિતા, પત્ની, ભાઈ, બહેન, સગાસંબંધી, મિત્રો અને પડોશી જાેડે કેમ રહેવું તેની કોસ્ટક રીત આવડવી જાેઈએ.
આ રીત કોસ્ટકનું જ બીજું નામ છે. ધર્મ ધર્મ જ માણસને માણસ સાથે જાેડે છે. પ્રભુ સાથે જાેડે છે. આ જાેડાણોથી જ દામ્પત્ય કુટુંબ સમાજ અને રાષ્ટ્ર ધારણ થાય. આ જાેડાણોના ભાગરૂપે પડોશી ધર્મ કેવો હોય તે જાેઈશું તો પડોશી આપણા પરાયણ, આપણે પડોશી પરાયણ અને પડોશી અને આપણે બંને ઇશ પરાયણ થતાં સંબંધમાં દૈવી સુગંધ આવે.
ને જે તે વ્યવહારો મધુર બને તે માટે દિવસ દરમિયાન એકબીજાની સામે આવતાં સ્મિત આપી ‘જય શ્રીકૃષ્ણ’ બોલવું. મન સાથે આદરપૂર્વક નમન કરવું. એકબીજા સાથે અબોલા ન થઈ જવાય તેનું ધ્યાન રાખવું. ઓછી-વત્તી સત્તા, સ્થિતિ અને બુદ્ધિ સ્થિતિ ભેદના કારણે અહમ્? (ઈગો) વચ્ચે ન આવી જાય તેની ખાસ કાળજી રાખવી.
મને મળેલી વિશેષ સત્તા, સંપત્તિ અને બુદ્ધિ જન્માન્તરના પ્રભુ માન્ય દૈવી કાર્યો કરેલાં તેની નોંધ પ્રભુએ રાખેલી તેના પરિણામ રૂપે પ્રભુએ મને આપેલી દેણ છે. પ્રભુની ગીફ્ટ છે. એવી સમજણથી (ઈગો) અહમ્? સુંવાળો બને છે. દાહક નહીં બને તેથી સંબંધોમાં મધુરતા રહે તે માટે મહિનામાં એકવાર એક કલાક પડોશીઓ ભેગા મળી સ્વાધ્યાય કરવો જરૂરી છે.
કાયમી ધંધાની જ વાતોથી જીવન કદાચ યાંત્રિક ન બની જાય તેટલા માટે ઇશાભિમુખ વાતો જરૂરી છે. બીજું પડોશમાં માંદા સાજા વખતે અચુક કાળજી લેવી, ને જાેઈતી જરૂરી મદદની પૃચ્છા કરવી ને શુભ ઇચ્છવું. એવા ટાઈમે પડોશીને કુટુંબની જેમ હૂંફ આપવી. સારા માંગલિક પ્રસંગોમાં પણ તેમના આનંદમાં ભાગીદાર થવું.
કામકાજ અંગે સમય આપવો, સગવડ આપવી આ પડોશી ધર્મ છે. કોઈ કોઈવાર વધુ સમૃદ્ધિમાં હું કોઈની સેવા લેતો નથી અને આપતો નથી તેવી સમજથી બજારૂ સેવા લઈને પોતાનો ઇગો વધારતા જાેવા મળે છે. પરંતુ આમાં મન, હૃદય સંકીર્ણ બને છે અને સૂક્ષ્મ ઈગો વધી જાય છે. જેના કારણે જીવન યંત્રવત બજારૂ અને એકલવાયું બને છે.
તેની પૂર્તિ માટે ડાન્સ ક્લબો, પાર્ટીઓ આવા બજારૂ વ્યવહારો ઊભા થાય છે. આ સંસ્કારો બાળકોમાં પડતાં ઘરમાં પણ ભાવજીવન તૂટી જાય છે. માટે આવા ભળતા રસ્તે ભૂલા ન પડીએ તે જાેવું. સાથે સાથે પડોશી સાથેના સંબંધોમાં આપણે આપણું નિરીક્ષણ કરવું કે મારા થકી તેમને કોઈ તકલીફ તો થતી નથી.
જેમ કે મારા ટીવીનો રેડીયાનો અવાજ ઊંચો નથી થતો ને, અવાજનું પ્રદુષણ અમારા થકી તો થતું નથી ને, કુતરો રાખેલો હોય તો જાેવું કે કુતરાનો મોટો અવાજ નેવું ડેસીબલ જેવો હોય વારંવાર વિના કારણે ભસભસ કરતો હોય તો પડોશમાં તેમનાં બાળકોને ભણવામાં, વાંચવામાં, ઉંઘમાં, તેમની પાઠપૂજામાં, ધ્યાનમાં, તેમની વાતચીતમાં અડચણ રૂપ થાય તેવું તો નથી થતું ને.
આપણી સંસ્કૃતિમાં શાંતિઃ શાંતિઃ શાંતિની પ્રાર્થનામાં માંગણી છે. આપણે શાંત વાતાવરણના પૂજક છીએ તેવું વાતાવરણ રાખવા, બનાવવાનો મારો પડોશી ધર્મ છે. તો તે વાતાવરણ મારા દ્વારા પ્રદુષિત તો નથી થતું ને. અવાજનું પ્રદુષણ એ એક ધીમું પોઈઝન છે. લાંબા ગાળે માણસની સ્મૃતિ ઘટાડે છે.
શરીરમાં પણ અનેક જાતના રોગો અવાજ પ્રદુષણથી થાય છે. આ બધું ધ્યાન રાખવું તે મારો પડોશી ધર્મ છે. આ ધર્મ છોડીને મારો દૈવી વિકાસ ન હોઈ શકે તેનું ધ્યાન રાખશું તો તે સંસ્કારો પાછલી પેઢીના બાળકોમાં ઊભા થશે. બીજું, ગંદકીથી હવા, પ્રદુષણ પણ આપણા દ્વારા પડોશીને ન થવું જાેઈએ તેની કાળજી રાખવી.
વાર-તહેવારે બનાવેલી કોઈ સારી વાનગી પણ પડોશી બાળકોને આપવા જવું અને સંબંધોમાં મધુરતા રાખવી. આવા વર્તનથી બંને તરફે ભાવપ્રેમ આત્મિયતા વધે છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થાય છે. આમ, એકબીજા પ્રત્યેની મંગલ કામનાઓથી દિવસ દરમિયાન આપણામાં એક દૈવી શીતળતાની ચેતનાનો સ્પર્શ રહે છે. હૃદય પુલકીત અને પ્રસન્ન રહે છે. આ જ જીવનનું સાફલ્ય છે.
ઉપર જાેયું તેમ પડોશી ધર્મમાં અકસ્માતે સાજા માંદાની કાળજી રાખીશું. માંગલિક પ્રસંગોમાં એકબીજાને ત્યાં આનંદમાં ભાગીદાર થઈશું. રેડીયો, ટીવી, કુતરાના ઊંચા અવાજાેથી એકબીજાને તકલીફ થાય તેવો અવાજ, પ્રદુષણ ન થાય તેની કાળજી રાખીશું. સત્તા, સંપત્તિ અને બુદ્ધિનો ઇગો વચ્ચે આવતાં અબોલા ન થઈ જવાય તેમાં સાવધાન રહીશું. વાર, તહેવારે સારી વાનગી પણ એકબીજાને આપી આત્મીય ભાવ સંબંધો બાંધીશું. આ બધા માટે અમો પડોશી ઈશ પરાયણ થઈ પડોશી ધર્મ પાળીશું. નીતિ મૂલ્યો સાચવીશું તો તેવો પડોશી ધર્મ પ્રભુને જરૂર ગમશે.