રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની ચિર વિદાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ શોક વ્યકત કર્યો : સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં
અમદાવાદ, રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી કેશુભાઈ પટેલનું અવસાન થતાં શોકનું મોજુ ફરી વળ્યુ છે આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક ગંભીર હાલતમાં અમદાવાદ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર બાદ અવસાન થયું છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન તેઓ લોકલાડીલા નેતા બન્યા હતાં
ગુજરાતમાં ભાજપને મજબુત કરવામાં ભીષ્મપિતામહની ભૂમિકા ભજવનાર કેશુબાપા પાટીદાર સમાજમાં ખુબ જ લોકપ્રિય હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન તેઓ લોકલાડીલા નેતા બન્યા હતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મજબુત કરવા સાથે સત્તા સ્થાને બેસાડવામાં મહત્વપૂર્ણ ભુમિકા બાપાએ નિભાવી હતી.
સંઘના ચુસ્ત કાર્યકર રહેવા સાથે તેમણે ગુજરાતમાં બે વખત સત્તાના સુત્રો સંભાળ્યા હતાં ઉંમરના કારણે તેમની તબીયત નાંદુરસ્ત રહેતી હતી કોરોનાની અસરના કારણે તેમને સારવાર પણ આપવામાં આવી હતી જાેકે ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશા તેમને મળવા આવતા હતાં
ગુજરાતમાં બાપા ના હુલામણા નામથી ખુબ જ જાણીતા કેશુભાઈ પટેલ રાજકીય ક્ષેત્રે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવતા હતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશા તેમને મળવા આવતા હતાં
અને તેમના આર્શિવાદ પણ તેઓ લેતા હતાં કેશુબાપાને આજે સવારે ર્સ્ટલિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતા અનેક રાજકીય નેતાઓ તેમની ખબર અંતર પુછતા હતાં આ દરમિયાનમાં જ તેમની તબીયત અત્યંત નાજુક બનતા આખરે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યકત કર્યો છે
કેશુબાપાની ચિરવિદાયથી શોકનું મોજુ ફરી વળ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યકત કર્યો છે આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓએ પણ શોક વ્યકત કર્યો છે બાપાના અવસાનથી ગુજરાતના રાજકારણમાં બહુ મોટી ખોટ પડી છે. બાપાના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવનાર છે. ૯ર વર્ષની વયે પણ કેશુબાપા અનેક પ્રવૃતિમાં વ્યસ્ત રહેતા હતા તેઓ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પણ હતાં.