કેશોદની શાળામાં 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ
જૂનાગઢ, કોરોના મહામારી વચ્ચે જ્યાં એક તરફ રસી આવી તો બીજી તરફ ગુજરાત સરકારે ધો 10 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે મંજૂરી આપી હતી. જોકે આ બધા વચ્ચે જેનો ભય હતો તે જ થયું છે. જૂનાગઢ તાલુકાનાં કેશોદની શાળામાં 11 વિદ્યાર્થિનીઓ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ માઝા મૂકતાં સરકાર દ્વારા સુરક્ષાના પગલે શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી. સ્થિતિ હળવી થાય બાદ પણ શાળા અને કોલેજો ખોલવા અંગે અનેક ચર્ચાના અંતે શાળાઓ ખોલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા ન ઈચ્છે તો ઓનલાઇન શિક્ષણની સુવિધા પણ ચાલુ રાખવામાં આવી છે.
તાજેતરમાં કેશોદમાં આવેલ કે. એ. વણપરિયા કન્યા વિદ્યા મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
ટેસ્ટ દરમિયાન 11 વિદ્યાર્થિનીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 11 વિદ્યાર્થીનીઓ પૈકી 8 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે બાળકોને શાળાએ મોકલવા કેટલા અંશે સુરક્ષિત છે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
રાજ્યમાં માધ્યમિક શિક્ષણ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કરી શાળાઓ 11મી જાન્યુઆરીથી શરુ થઇ છે. જૂનાગઢ જિલ્લાના કેશદની શાળામાં 11વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.