કેશોદમાં રાત્રે વેપારી પાસેથી ફિલ્મી ઢબે લાખોની લૂંટ

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં લૂંટનો એક બનાવ બન્યો છે. જેમાં એક વેપારી પાસેથી રોકડ અને ચેકની લૂંટ ચલાવવામાં આવી છે. આ કેસમાં પીડિત વેપારીને સારવાર માટે કેશોદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી છે. મળતી માહિતી પ્રમાણે કેશોદના ચરથી દરસાલી રોડ પર ફિલ્મ ઢબે લૂંટ ચલાવવામાં આવી છે.
જેમાં કેશોદના વેપારી નિખિલકુમાર કેશવજીભાઈ રાયચડાને લૂંટી લેવામાં આવ્યા હતા. નિખિલ રાયચડા માધવપુરથી ઊઘરાણીના પૈસા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇકને ટક્કર મારીને લૂંટ ચલાવવામાં આવી હતી. ટક્કર બાદ વેપારીના ગળા ભરાવેલા થેલાની લૂંટ ચલાવીને લૂંટારું ફરાર થઈ ગયા હતા.
લૂંટ ચલાવનારા લોકો બાઇક અને કારમાં આવ્યા હતા. કારની ટક્કરથી નીચે પટકાયેલા વેપારીને સામાન્ય ઈજા પહોંચી હતી. પાછળથી ટક્કર મારી, ઊઘરાણી કરીને પરત આવી રહ્યા હોવાથી નિખિલ રાયચડા પાસે મોટી રોકડ અને ચેક હતા. તેમની બાઇકને પહેલા એક કારે પાછળથી ટક્કર મારી હતી.
જે બાદમાં તેઓ નીચે પટકાયા હતા. આ દરમિયાન વેપારી પાસેથી ત્રણ લાખની રોકડ, ચેક અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને લૂંટારું ફરાર થઈ ગયા હતા. લૂંટારુ બાઇક અને કારમાં ફરાર થઈ ગયા હતા. નીચે પટકાયા હોવાથી વેપારીને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ મામાલે પીડિત વેપારીએ જણાવ્યું હતું કે, “મારે કેશોદ ખાતે દુકાન છું. હું દર મંગળવારે ધંધાના કામ અર્થે માધવપુર જાઉં છું. આજે હું રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ પરત ફરી રહ્યો હતો ત્યારે દરસાલી રોડ પર એક ફોર વ્હીલરે મારી બાઇકને પાછળથી ટક્કર મારી હતી. તેની પાછળ આવેલા બાઇક ચાલકોએ મારા ગળામાંથી થેલો આંચકી લીધો હતો. તમામ લોકો ચર બાજુ ફરાર થઈ ગયા હતા.
થેલામાં રોકડ રકમ, ચેક, વોલેટ હતું. થેલામાં ત્રણ લાખ જેટલી રોકડ રકમ હતી, જે ઉઘરાણીની હતી. બેંકની પહોંચ બુક, સોદા બુક પણ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. બાઇક પર બે લોકો સવાર હતા.”SS1MS