કેસ ચાલતો હોઈ ખોટા નિવેદનો બંધ કરો : શિલ્પા

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ રિમાન્ડ બાદ રાજ કુંદ્રાને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
રાજનો કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન શિલ્પા શેટ્ટીને લઈને મીડિયામાં જાતજાતના અહેવાલો પ્રવર્તી રહ્યા છે. ત્યારે શિલ્પા પહેલીવાર આ સમગ્ર મામલે પોતાનો પક્ષ મૂકતા કહ્યું છે કે, તે અને તેનો પરિવાર મીડિયા ટ્રાયલ નથી ઈચ્છતા.
શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લાંબી પોસ્ટ મૂકીને પોતાની વાત રજૂ કરી છે. શિલ્પાએ લખ્યું, છેલ્લા થોડા દિવસો દરેક મોરચે મુશ્કેલ રહ્યા છે. ઘણી અફવાઓ ઉડી છે અને આરોપો લાગ્યા છે.
મીડિયા અને મારા શુભચિંતકો (જે ખરેખર શુભચિંતકો નથી) દ્વારા મારા પર બિનજરૂરી દોષારોપણ કરવામાં આવ્યા છે. બહોળા પ્રમાણમાં ટ્રોલિંગ થયું અને સવાલો ઉઠવાયા, જે માત્ર મારા પર નહોતા મારા પરિવાર પર પણ હતા.
હવે હું મારો પક્ષ મૂકું છું કે મેં હજી કોઈપણ ટિપ્પણી કરી નથી અને કરીશ પણ નહીં કારણકે આ કેસ હજી ચાલી રહ્યો છે. મહેરબાની કરીને મારા નામે ખોટા નિવેદનો છાપવાનું બંધ કરી દો.
સેલિબ્રિટી તરીકેની મારી ફિલોસોફી રહી છે કે, ક્યારેય ફરિયાદ ના કરો અને સ્પષ્ટતા પણ ના કરો અને હું આને વળગી રહીશ.
હું એટલું જ કહેવા માગુ છું કે આ કેસની તપાસ હજી ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ તેમજ ભારતની ન્યાય વ્યવસ્થા પર પૂરતો વિશ્વાસ છે. પરિવાર તરીકે અમે કાયદાકીય ઉપાયોના તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ.
પરંતુ ત્યાં સુધી હું તમને વિનમ્રતાથી વિનંતી કરું છું, ખાસ કરીને એક મા તરીકે અપીલ કરું છું કે, મારા બાળકોનો વિચાર કરીને અમારી પ્રાઈવસીનું માન જાળવો.
અધૂરી માહિતીની પુષ્ટિ કર્યા વિના તેને છાપવાનું ટાળો તેવી વિનંતી છે., તેમ શિલ્પાએ ઉમેર્યું. શિલ્પાએ સ્ટેટમેન્ટના અંતે કહ્યું, હું કાયદાનું પાલન કરનારી ભારતીય નાગરિક છું
અને છેલ્લા ૨૯ વર્ષથી મહેનત કરી રહેલી વર્કિંગ પ્રોફેશનલ છું. લોકોએ પોતાનો વિશ્વાસ મારામાં મૂક્યો છે અને મેં ક્યારેય તેને તોડ્યો નથી. સૌથી મહત્વની વિનંતી કે, આ મુશ્કેલીના સમયમાં મહેરબાની કરીને તમે મારા પરિવાર અને મારા પ્રાઈવસીના અધિકારનું માન જાળવો. અમે મીડિયા ટ્રાયલને પાત્ર નથી. કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે.
બીજી તરફ શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં વિવિધ મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે પોતાના અંગે ખોટી વાતો ફેલાવા બદલ માનહાનિનો કેસ કર્યો હતો.
ત્યારે બોમ્બે હાઈકોર્ટે એક્ટ્રેસને રાહત આપી છે અને તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, પ્રાઈવસીનો અધિકાર દરેકને છે અને કોઈ વ્યક્તિ પોતે કે તેના પરિવારજન કોઈ મુસીબતનો સામનો કરી રહ્યા હોય તો કોઈ તેમના વિશે અટકળો ના લગાવી શકે.
જાેકે, કોર્ટે એમ પણ નોંધ્યું કે, તપાસ અંગેની અટકળોના રિપોર્ટિંગ પર રોક ના લગાવી શકાય (જેની માગ શિલ્પાની અરજીમાં કરવામાં આવી હતી) કારણકે ભારતના બંધારણમાં પ્રેસને પણ સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ હાલ તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. તેણે અગાઉ જામીન અરજી કરી હતી જેને ફગાવી દેવાઈ હતી.
જે બાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે, ૩૧ જુલાઈએ આ કેસની સુનાવણી થઈ હતી. જેમાં સરકારી વકીલે કોર્ટેને જણાવ્યું હતું કે, બે એપમાંથી મુંબઈ ક્રાઈમ બ્રાંચને ૫૧ પોર્ન ફિલ્મો મળી આવી હતી.
રાજ કુંદ્રા અને રાયન થોરપની ધરપકડ કરવામાં આવી કારણકે તેમણે વોટ્સએપ ગ્રુપ અને ચેટ્સ ડિલિટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પુરાવાનો નાશ કરી રહ્યા હતા માટે જ તેમની ધરપકડ જરૂરી હતી. ત્યારે હાલ તો બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી ૭ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.