કે ડી હોસ્પિટલ દ્વારા રીવરફ્ર્ન્ટ ખાતે મેરેથોન યોજાઈ
માણસની જીવનશૈલી બેઠાડુ થઇ જતા ડાયાબિટીસ, હદય રોગ, બીપી જેવા રોગોનું પ્રમાણ વધે છે. ત્યારે કિલ ધ ડાયાબિટીસના હેતુ સાથે કે.ડી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજવામાં આવી છે.
જેમાં રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે ઝુમ્બા ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારબાદ મેરેથોન યોજાઇ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મેરેથોનને લીલીઝંડી આપવામાં આવી છે. ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જેમાં પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ તથા રીલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝના પરિમલ નથવાણીએ હાજરી આપી છે. 21 કિમી,10 કિમી અને 5 કિમીની મેરેથોન યોજાઇ છે. જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સૌ કોઇ હર્ષોલ્લાસ ભેર જોડાયા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઉભા થતા રોગો પણ એક મોટો પડકાર છે .બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઉભા થયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહ¥વ છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે અમદાવાદમાં કે.ડી. હોસ્પિટલ અને રિલાયન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી કે.ડી. મેરેથોનને નાયબ મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ રોગ તરીકે ઓળખાતો ડાયાબિટીસ રોગ એક સમયે માત્ર સાધન સંપન્ન કે અમીર પરિવારોમાં જોવા મળતો હતો. પરંતુ આજે આ રોગ નાના બાળકો યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. યુવા પેઢીમાં આ રોગ માટેનું સૌથી જવાબદાર પરિવાર એટલે બેઠાડું જીવન. આજના યુવાનોમાં શ્રમનું પ્રમાણ અત્યંત ઘટ્યું છે એટલું જ નહીં આજની યુવા પેઢી બેઠાડું જીવનની સાથે-સાથે સમય જાગૃતિના અભાવ વચ્ચે કસરત કરવાથી પણ દૂર રહી છે ત્યારે યુવાનોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રકારની મેરેથોન એ સમયની માંગ છે. તેમણે જણાવ્યું હતું કે, ડાયાબિટીસ એક એવો રોગ છે જેના પગલે શરીરમાં અન્ય રોગો પણ જન્મે છે અને ત્યારે આ રોગ જીવલેણ પણ પુરવાર થાય છે.
ડાયાબિટીસને અટકાવવો હોય કે પાછો ઠેલવો હોય તો, તેનો સૌથી સરળ ઉપાય છે સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ જીવન શૈલીનું સૌથી મહત્વનું પાસું એટલે નિયમિત કસરત. આ કસરત શરીરમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે પરંતુ સાથે વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે. આજે એક સાથે આટલા બધા લોકો મેરેથોનમાં સહભાગી થવા વહેલી સવારે ઉમટ્યા છે તે આનંદની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.