કૈલાશ માનસરોવર યાત્રા મોંઘીઃ ચીને ભારતીય શ્રદ્ધાળુઓ પર ટેકસ વધાર્યો
નવીદિલ્હી, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નેપાળથી ચીન જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચીને ભારેખમ રેટમાં વધારો કર્યો છે. જેના કારણે ભારતીય પર્યટકોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચીનના આ પગલાને લઇને નેપાળનો પર્યટન ઉદ્યોગ પણ ચિંતિત થઇ ગયો છે. નેપાળના કૈલાશ માનસરોવર યાત્રા સંઘના અધ્યક્ષ નારાયણ પોખરેલે જણાવ્યું છે કે ચીન દ્વારા ૭૮૦ અમેરિકન ડોલર પ્રતિ વ્યક્તિદીઠ વધારો કર્યો છે.
આ અગાઉ નેપાળ પર્યટન સાથે જોડાયેલા લોકો એક ભારતીય પર્યટકો કેરૂગના રસ્તે માનસરોવર માટે ૧,૩૦,૦૦૦ રૂપિયા, લહાસાથી માનસરોવર ૨,૩૦,૦૦૦ અને હુમલાથી જવા માટે ૧,૭૦,૦૦૦ રૂપિયા યાત્રા માટે લેતા હતા. પરંતુ હવે ચીનના નવા વલણથી હવે કેરૂગના રસ્તે ૧,૮૫,૦૦, લહાસાથી ૩,૧૦,૦૦૦, હુમલાથી ૨,૬૦,૦૦૦ રૂપિયા માનસરોવર યાત્રા માટે આપવા પડશે. નેપાળ કૈલાશ માનસરોવર યાત્રા સંઘના અધ્યક્ષે કહ્યું કે આ યાત્રા માટે ચીન દર વર્ષે ૧૦ ટકા વધારતું હતું. આ વખતે ૪૦ ટકા વધારો કર્યો છે. ભારતમાંથી દર વર્ષે ૨૦ હજાર જેટલા શ્રદ્ધાળુઓ માનસરોવરની યાત્રાએ જાય છે.