Western Times News

Gujarati News

કોંગ્રેસના ગઢ દરિયાપુરમાં ભાજપ માટે કપરા ચઢાણ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ જાેરશોરથી પ્રચાર શરૂ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજાના ગઢમાં ગાબડા પાડવા માટે એડીચોટીનું જાેર લગાવશે તે બાબત નિશ્ચિત છે. તેમ છતાં કોટ વિસ્તારના કેટલાક વોર્ડ ભાજપ અને કોંગ્રેસ માટે સલામત રહેશે. ભાજપ માટે ખાડીયા વોર્ડને ગઢ માનવામાં આવે છે જયારે કોંગ્રેસ માટે જમાલપુર અને દરિયાપુર વોર્ડ મજબુત ગઢ છે. જમાલપુરમાં કોંગ્રેસનો દબદબો રહયો છે. જયારે ર૦૧પના નવા સીમાંકન બાદ દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત બની છે.

ર૦૧પમાં કાલુપુર વોર્ડની બાદબાકી કરી તેનો થોડો હિસ્સો ખાડીયામાં અને બાકીના ભાગનો દરિયાપુરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે દરીયાપુરમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. ર૦ર૧ની ચૂંટણીમાં કોંગ્રસના સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ ચૂંટણી ન લડવા માટે રજુઆત કરી હતી જેનો પાર્ટી દ્વારા સ્વીકાર થયો છે અન્ય પૂર્વ કોર્પોરેટર મોનાબેન રાજપુતનો વોર્ડ બદલવામાં આવ્યો છે જયારે હસનલાલા અને જયશ્રીબેનની ટિકિટ કાપવામાં આવી છે. આમ કોંગ્રેસ પાર્ટીએ દરિયાપુરમાં ચાર યુવા ચહેરાઓને તક આપી છે. દરિયાપુરના કોંગી ઉમેદવાર નિરવ બક્ષી છેલ્લા દોઢ-બે દાયકાથી સંગઠન સાથે સંકળાયેલા છે. તેમજ એનએસયુઆઈમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમની સાથે અન્ય ઉમેદવારોમાં માધુરી કલાપી, ઈમ્તિયાઝ શેખ અને સમીરા શેખ છે. જ્યારે ભાજપ તરફથી વિભૂતી પરમાર, નૈનાબેન ગોહિલ, ભરતભાઈ ભાવસાર અને જયરામ દેસાઈ મેદાનમાં છે. દરિયાપુરમાં પ્રથમ વખત એઆઈએમઆઈએમના પણ બે ઉમેદવાર ફરહાન સૈયદ અને સમીર શેખ મેદાનમાં છે. જેના કારણે કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા રહે છે.

સમસ્યા
દરિયાપુર વોર્ડમાં સૌથી મોટી સમસ્યા પીવાના શુદ્ધ પાણી અને ડ્રેનેજની મ્યુનિ.કોર્પાેરેશનના જનરલ બજેટમાંથી દરિયાપુરમાં પ્રાથમિક સુવિધાના કોઈ જ કામ થયાં નથી. સ્થાનિકોનાં જણાવ્યાં મુજબ મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૧.૧૦ કરોડના ખર્ચથી મસ્ટર્સ સ્ટેશન બનાવ્યું છે. માત્ર ચાર દિવાલો ઉભી કરી હોય તેમ લાગે છે. તદપરાંત દરવર્ષે મસ્ટર્સ સ્ટેશન રીપેરીંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. વોર્ડનાં પબ્લિક ટોઈલેટ રિપેર કરવાના નામે પણ દરવર્ષે મોટો ખર્ચ થાય છે. તેમ છતાં પબ્લિક ટોઈલેટનાં દરવાજા, ટાઈલ્સ વગેરે તૂટેલાં છે. દરિયાપુર વોર્ડમાં છેલ્લાં ૫ વર્ષમાં કોર્પાેરેટર બજેટમાંથી વાડીગામમાં સિસ્ટોમેટિક ડ્રેનેજ લાઈન તેમજ પથ્થર પેવીંગનાં કામ થયાં છે. જ્યારે પોલ્યુશન દૂર કરવા માટે, મોટી બાકરઅલીની પોળમાં પાણીનું પ્રેશર માપવા તથા સુધારવા માટે, કીડીપાડાની પોળમાં સિસ્ટોમેટિક ડ્રેનેજ લાઈન નાંખવા માટે, સજ્જન જમાદારનાં મહોલ્લામાં પણ પાણીનું પ્રેશર સુધારવા માટે જુગલદાસની ચાલીમાં સિસ્ટોમેટિક ડ્રેનેજ લાઈનના કામ થયાં છે.

 

ભાજપનું મિશન દરિયાપુર
કોર્ટ વિસ્તારમાં એકમાત્ર ખાડીયા વોર્ડમાં જ ભાજપ મજબૂત છે. જ્યારે દરિયાપુર અને જમાલપુર વોર્ડમાં કોંગ્રેસનો દાવો મજબૂત ગણાય છે. ૨૦૧૫ની ચૂંટણી બાદ ભાજપાએ દરિયાપુર વોર્ડ કબ્જે કરવા ખાસ રણનીતિ તૈયાર કરી છે. તથા કોંગ્રેસના ગઢ સમાન દરિયાપુરમાં ભાજપની પેનલ વિજેતા બને તે માટે તમામ પ્રયાસ થઈ રહ્યાં છે. દરિયાપુર વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બને તો તેના માટે દરિયાપુર વિધાનસભા જીતવી સરળ બને તેમ છે. તેથી ૨૦૨૧ની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી કેટલા મત મેળવે છે તેના પર તમામની નજર રહેશે. જાેકે નિષ્ણાંતોના મંતવ્ય મુજબ દરિયાપુરમાં ભાજપ માટે કપરા ચઢાણ રહેશે.

 

આંકડાકીય માહિતી
દરિયાપુર વોર્ડમાં કુલ ૯૮૯૮૨ મતદારો છે. જે પૈકી પુરૂષ મતદારોની સંખ્યા ૫૦૪૬૯ અને સ્ત્રી મતદારોની સંખ્યા ૪૮૫૦૬ છે. દરિયાપુર વોર્ડમાં ૫૬ હજાર હિન્દુ અને ૪૩૯૯૩ લઘુમતી સમાજના મતદાર છે. ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષીને ૨૧૭૭૨, મોનાબેન પ્રજાપતિને ૨૦૬૨૫, હસનખાન પઠાણને ૧૯૭૭૫ તથા જયશ્રીબેન શાહને ૨૨૨૬૮ મત મળ્યા હતા. ૨૦૧૫માં ૪૨૮૪૪ મતદારોએ મતદાન કર્યુ હતુ. જે કુલ મતદારોના ૪૬.૬૫ ટકા મતદાન હતું. ૨૦૧૫માં મતદારોની સંખ્યા ૯૧૮૫૦ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.