Western Times News

Gujarati News

કોંગ્રેસના ગઢ બહેરામપુરામાં ત્રિ-પાંખિયો જંગ કોને ફળશે ?

બહેરામપુરા વોર્ડમાં ભાજપાએ નીતાબેન મકવાણા, કવિતાબેન શાહ, કમલેશભાઈ પરમાર તથા ભરતભાઈ સરગરાની પસંદગી

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેકશન વોર્ડ નંબર – ૩પ બહેરામપુરાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ર૦૧૦ અને ર૦૧પની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. ર૦ર૧ની ચૂંટણીમાં કોંગ્રેસે સીનીયર કોર્પોરેટર અને મ્યુનિ. વિપક્ષી નેતા કમળાબેન ચાવડાને રીપીટ કર્યા છે

જયારે ત્રણ નવા ચહેરાને તક આપવામાં આવી છે. બહેરામપુરામાં કોંગ્રેસે છેલ્લી મીનીટોમાં બે ઉમેદવારની બદલી કરતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ નારાજગી વ્યકત કરી રાજીનામુ પણ આપ્યુ છે. પ્રદેશ નેતાગીરીની સમજાવટ બાદ તેમણે રાજીનામુ પરત લીધુ છે. બહેરામપુરામાં કોંગી ઉમેદવારોની પસંદગી ધારાસભ્ય શૈલેષભાઈ પરમારની મરજી મુજબ થઈ હોવાનું માનવામાં આવી રહયુ છે.

બહેરામપુરામાં કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીરમીઝી, શાહજહાંબાનુ અન્સારી તથા રફીકભાઈ શેઠજીને કોંગ્રેસ પક્ષે મેન્ડેટ આપ્યા છે, અગાઉ પસંદ કરવામાં આવેલા કમરૂદ્દીન પઠાણ અને નગમાબેન રંગરેજની છેલ્લી મીનીટોમાં બાદબાકી થઈ હતી કોંગ્રેસની પેનલમાં કમળાબેન ચાવડા એક માત્ર અનુભવી અને જાણીતો ચહેરો છે. જયારે તસ્લીમભાઈ તીરમીઝીને પુર્વ કોર્પોરેટર સ્વ. બદરૂદ્દીનભાઈ શેખના અંગત માનવામાં આવે છે. તેઓ સારી પ્રતિષ્ઠા પણ ધરાવે છે.

બહેરામપુરા વોર્ડમાં ભાજપાએ નીતાબેન મકવાણા, કવિતાબેન શાહ, કમલેશભાઈ પરમાર તથા ભરતભાઈ સરગરાની પસંદગી કરી છે ભાજપના ઉમેદવારો સંગઠન સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

બહેરામપુરામાં કોઈ મોટો ઉલટફેર થાય તો જ ભાજપની પેનલ જીતી શકે છે. ભાજપા કોંગ્રેસની પેનલ તોડવા માટે પણ પ્રયાસ કરી શકે છે. ર૦૦પમાં ભાજપના મહીલા ઉમેદવાર કાન્તાબેન પરમાર ચૂંટણી જીત્યા હતા તથા પ્રથમ વખત એક જ વોર્ડમાંથી બે મહીલા ઉમેદવાર કોર્પોરેટર બન્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના એક માત્ર દલિત સમાજના મેયર લાલજીભાઈ પરમાર બહેરામપુરા વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા હતા. જયારે કોંગ્રેસના ડેપ્યુટી મેયર ખેમચંદ ચાવડા પણ બહેરામપુરામાંથી ચુંટણી જીત્યા હતાં. બહેરામપુરામાં ત્રીજા પક્ષ તરીકે “મીમ”ની પેનલ પણ લડી રહી છે તેનાથી કોને ફાયદો થશે કે નુકશાન જશે ? તે જાેવુ રસપ્રદ રહેશે.

સમસ્યાઓ: બહેરામપુરા વોર્ડને સમસ્યા સાથે જુનો સંબંધ છે. એક જમાનામાં બહેરામપુરાને શહેરની સૌથી મોટી કચરાપેટી માનવામાં આવતી હતી. પીરાણા ડમ્પ સાઈટ, એસ.ટી વર્કશોપ, કુતરા રસીકરણ કેન્દ્ર, ચેપીરોગ હોસ્પિટલ સહીત તમામ કચરા કેન્દ્રો બહેરામપુરા વોર્ડમાં છે. સ્થાનિક રહીશો માટે પીરાણા ડમ્પ સાઈટ શિરદર્દ બની ગઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ડમ્પ સાઈટ નિકાલ માટે જાહેરાત થઈ હતી પરંતુ નક્કર પરીણામ મળ્યા નથી. ડમ્પ સાઈટના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ આવે છે. કૂતરા રસીકરણ કરનાર કોન્ટ્રાકટરો બહેરામપુરા વોર્ડમાં કૂતરા છોડી જતા હોવાની ફરીયાદ પણ રહીશો કરી રહયા છે. આ વર્ષો જુની સમસ્યા મામલે છેલ્લા ૧પ વર્ષમાં કોઈ જ કામગીરી થઈ નથી. બહેરામપુરાના ૭૦ ટકા નાગરીકો ચાલી (સેવ)માં રહે છે.

અહી સેનીટેશન, ડ્રેનેજ બેકીંગ અને પ્રદુષિત પાણીની સમસ્યા પણ કાયમી બની ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડા તથા સ્વ. બદરૂદ્દીન શેખ દ્વારા આ મુદ્દે વારંવાર રજુઆતો કરવામાં આવી હતી જેના કારણે ડ્રેનેજની સમસ્યા હળવી બની છે. બહેરામપુરા તથા તેની બાજુમાં આવેલા દાણીલીમડા વોર્ડમાં અનેક ફેકટરીઓ અને પ્રોસેસ હાઉસ છે જેના કારણે પ્રદુષિત હવાની તકલીફ કાયમી બની છે.

એક સમયે એશિયામાં ટી.બી.ના સૌથી વધુ દર્દી બહેરામપુરામાં નોંધાયા હોવાનું રહીશો જણાવે છે. હાલમાં પણ બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં ટી.બી.ના દર્દીઓની સંખ્યા વધારે છે. આ વોર્ડમાંથી મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા હોવા છતાં સમસ્યાઓના નકકર નિકાલ થયા નથી.

આંકડાકીય માહિતી:
નવા સીમાંકન મુજબ બહેરામપુરા વોર્ડનું ક્ષેત્રફળ ૧૦.ર૧ ચોરસ કીલોમીટર છે. ર૦૧પમાં અહીં ૭૮૬૯પ મતદારો હતા જયારે ર૦ર૧માં મતદારોની સંખ્યા વધીને ૯૩ર૭૪ થઈ છે જેમાં ૪૯ર૦૮ પુરુષ અને ૪૪૦૬૧ સ્ત્રી મતદાર છે. જયારે અન્ય મતદારોની સંખ્યા ૦પ છે, ર૦૧પમાં કોંગ્રેસના કમળાબેન ચાવડાને ર૦૬ર૯, સ્વ. બદરૂદ્દીન શેખને ૧૮૪ર૦ તથા ઝરીનાબાનુ શેખને ૧૮૮૦૩ મત મળ્યા હતા. 

જયારે ચોથા કોર્પોરેટર યુસુફભાઈ અજમેરી હતા જેમનું નિધન થયા બાદ પેટા ચૂંટણીમાં કમરૂદ્દીનભાઈ પઠાણને તક આપવામાં આવી હતી પરંતુ કોરોનાના કારણે કમરૂદ્દીન પઠાણને કોર્પોરેટર તરીકે પૂરતી સેવા કરવા તક મળી નહતી તેમ છતાં ર૦ર૧ની ચૂંટણીમાં તેમની બાદબાકી કરવામાં આવી છે. બહેરામપુરા વોર્ડમાં લઘુમતી સમાજના ૬પ હજાર, દલિત સમાજના ૧૮ હજાર તથા અન્ય સમાજના ૧૦ હજાર મતદારો છે.

બે ટર્મમાં ત્રણ કોર્પોરેટરોના મૃત્યુ
બહેરામપુરા વોર્ડ છેલ્લી બે ટર્મથી પુરુષ કોર્પોરેટરો માટે અપશુકનિયાળ સાબિત થયો છે. ર૦૦પમાં અપક્ષ ચૂંટણી લડનાર શકીલ અહેમદ શેખને ર૦૧૦માં કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી પરંતુ પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ તેમનું અવસાન થયુ હતું તેમના સ્થાને કોંગ્રેસે યુસુફભાઈ અજમેરીને પેટા ચૂંટણીમાં તક આપી હતી તેઓ ચૂંટણી જીતી ગયા હતા તેથી તેમને ર૦૧પની ચૂંટણીમાં પાર્ટી દ્વારા ફરીથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો.

ર૦૧પમાં પણ તેઓ ચૂંટણી જીત્યા હતા પરંતુ કમનસીબે ટર્મ પૂર્ણ કરી શકયા ન હતા તથા તેમનું પણ અવસાન થયુ હતું કોંગ્રેસે પેટા ચુંટણીમાં કમરૂદ્દીનભાઈ પઠાણને તક આપી હતી તેઓ પણ વિજેતા બન્યા હતા પરંતુ કોરોનાના કારણે પૂરતી તક મળી ન હતી.

કોરોનાના કારણે બહેરામપુરા વોર્ડને સૌથી વધુ નુકશાન થયુ છે, વોર્ડના પૂર્વ સીનીયર કોર્પોરેટર બદરૂદ્દીનભાઈ શેખનું કોરોનાના કારણે સારવાર દરમ્યાન અવસાન થયું હતું. ર૦ર૧ની ચૂંટણીમાં પાર્ટી અને સમાજને તેમની ખોટ પડી રહી છે. આમ, બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ બે ટર્મ ત્રણ કોર્પોરેટર ગુમાવ્યા છે. શકીલ અહેમદ, યુસુફ અજમેરી અને બદરૂદ્દીન શેખ જેવા નેતા કોંગ્રેસે ગુમાવ્યા છે. જયારે કાંતિભાઈ ચાવડા જેવા અગ્રણી કાર્યકરની ખોટ પણ પાર્ટીને સાલી રહી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.