કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની અંતિમ વિદાય
નવી દિલ્હી, ગુજરાતમાંથી દિલ્હી સુધી કોંગ્રેસના રાજકારણમાં મજબૂત સ્થાન ધરાવનાર અને કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા અહેમદ પટેલની ટૂંકી બિમારી બાદ બુધવાર વહેલી સવારે 3.30 વાગે અવસાન થયુ છે. અહેમદભાઈ સોનિયા ગાંધીના સલાહકાર હતા અને કોંગ્રેસમાં ખજાનચી તરીકે લાંબો સમય સુધી સેવાઓ આપી હતી.
અહેમદ પટેલની રાજકીય શરૂઆત પાલિકાની ચૂંટણીથી થઈ હતી, સ્થાનિક પંચાયતના અધ્યક્ષ બન્યા બાદ તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા.
ગુજરાતના તમામ પ્રશ્નો ઉકેલવામાં તેમનો સિંહફાળો હતો અને કોંગ્રેસનું મોવડીમંડળ પણ કોઈ પણ મુસિબતમાં અહેમદ પટેલનું માર્ગદર્શન લઈને આગળ વધતું હતું. છેલ્લા ઘણાં ટર્મથી તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે સેવા બજાવતા હતા. તેમણે ઈન્દીરા ગાંધી સાથે ઘણો સમય કામ કર્યુ હતું.
ઈન્દીરા ગાંધીથી લઈ રાહુલ ગાંધી સુધીના સમય ગાળા દરમ્યાન અહેમદભાઈએ કોંગ્રેસના સારા અને કપરાં કાળ દરમ્યાન પક્ષની સાથે વફાદાર રહી પક્ષને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તેઓ 2001થી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા હતા. આ ઉપરાંત તેમણે 2004 અને 2009માં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉજ્જવળ પ્રદર્શન માટે મોટો ભાગ ભજવ્યો હતો. અહેમદ પટેલ 3 વખત લોકસભા અને 5 વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂકયા છે.
2018માં તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. 1977માં યુવા વયે એટલે 26 વર્ષની વયે તેઓ ભરૂચમાંથી લોકસભાની ચૂંટણી જીતી દિલ્હીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1993થી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. ભરૂચમાં યુવા વયથી જ સ્થાનિક વિસ્તારનો વિકાસ કરવા માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ ભરૂચમાં ઔદ્યોગીક વસાહતોનું વિસ્તરણ કરી અને અનેક નામાંકિત ઉદ્યોગપતિઓને ઉદ્યોગો સ્થાપવા આવકાર્યા બાદ રોજગીરીની તકો ઉભી કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં ભરુચ સૌથી મોટો ઝોન બની ગયો છે.