જનમાર્ગ લીમીટેડના બોર્ડમાંથી વિપક્ષી નેતાની બાદબાકી
કોંગ્રેસના ધરણા બાદ ભાજપાએ માત્ર ૩૦ મીનીટમાં જ વિપક્ષી નેતાના સ્થાને ડે.મેયરનો સમાવેશ કર્યો
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં સત્તાધારી પાર્ટી ભાજપાનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. મ્યુનિ.સ્થાયી સમિતિ તથા ૧૩ સબ કમીટીઓમાંથી વિપક્ષની બાદબાકી કરવામાં આવી છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતાએ આ મુદ્દે “ગેટ વેલ સુન” નામથી ઘરણા-પ્રદર્શન કાર્યક્રમ કર્યાે હતો જેના પડઘા સ્થાયી સમિતિની બેઠકમાં પડ્યા હતા તથા જનમાર્ગના બોર્ડમાંથી વિપક્ષી નેતાની બાદબાકી કરી છે.
મ્યુનિ.કોર્પાેરેશનની ૨૦૧૦માં યોજાયેલ ચૂંટણી બાદ સ્થાયી અને સબકમીટીઓમાં કોંગ્રેસના કોર્પાેરેટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં જંગી બહુમતિ મળ્યા બાદ કોંગ્રેસે તમામ કમીટીઓમાંથી વિપક્ષની બાદબાકી કરી હતી. જેની અસર દાયકા બાદ પણ આઠ મહાનગરપાલિકાઓમાં જાેવા મળી રહી છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ તથા સબકમીટીઓમાંથી વિપક્ષની બાદબાકી થઈ છે.
હોદ્દાની રૂએ વિપક્ષી નેતાનો બી.આર.ટી.એસ અને રીવરફ્રન્ટ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. કોંગ્રેસના નવનિયુક્ત યુવા નેતા શહેજાદખાન પઠાણે તમામ કમીટીઓમાં વિપક્ષના સમાવેશ માટે ઝુંબેશ શરૂ કરી છે.
પરંતુ તેમની ઝુંબેશ બુમરેંગ સાબિત થઈ છે તથા અમદાવાદ જનમાર્ગ લીમીટેડના બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાંથી વિપક્ષી નેતાની બાદબાકી કરવામાં આવી છે. મ્યુનિ.વિપક્ષી નેતાએ ગુરુવાર બપોરે ચાર વાગે તમામ કમીટીમાં સ્થાન માટે દેખાવ કર્યા હતા અને ભાજપાએ માત્ર અડધા કલાક બાદ જ જનમાર્ગ લીમીટેડના ડીરેક્ટર પદેથી તેમને દૂર કર્યા છે.
વિપક્ષી નેતાની ઝુંબેશ ભાજપને મોંઘી ન પડે તે માટે સ્ટેન્ડીંગ કમીટીમાં આ અંગે તાકીદની દરખાસ્ત રજૂ કરી તેને મંજૂર કરવામાં આવી હતી. જનમાર્ગ લીમીટેડમાંથી વિપક્ષી નેતાને દૂર કરી તેમના સ્થાને ડે.મેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મ્યુનિ.કોર્પાેરેશનમાં ડે.મેયરનું પદ “શોભાના ગાંઠીયા” સમાન રહે છે. પ્રથમ વખત જ ડે.મેયરનો કોઈ બોર્ડ કે કમીટીમાં સમાવેશ થઈ રહ્યો છે.
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ૨૦૦૮માં બોર્ડ ઓફ ડીરેક્ટર્સના માળખાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી ૧૪ વર્ષ બાદ “વિપક્ષ”ને વનવાસ આપવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાને દૂર કરવા માટે કોઈ નક્કર કારણો જાહેર કરવામાં આવ્યા નથી.
ભવિષ્યમાં નાગરિકોને મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે જનમાર્ગ સેવાઓનું “મેટ્રો રેલ”, “ઈ-રીક્ષા” તથા માય બાઈક જેવી સેવાઓ સાથે ઈન્ટીગ્રેશન કરવું જરૂરી છે જેના માટે ઝડપથી નિર્ણય થઈ શકે તે માટે જનમાર્ગ લીમીટેડના બોર્ડ ઓફ ડીરેક્ટરના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણો જાહેર થયા છે. નોંધનીય છે કે ૨૦૦૮માં મંજૂર થયેલ માળખામાં માત્ર એક જ ફેરફાર થયો છે.
બાકી સભ્યોમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડે.મ્યુનિ.કમિશનર (જનમાર્ગ), એએમટીએસ ચેરમેન, એડી.કમીશનર ઓફ પોલીસ, ચીફ એક્ઝી.(ઔડા) વગેરેને યથાવત રાખવામાં આવ્યા છે તદ્દઉપરાંત જનમાર્ગના ચેરમેન પદ પર મ્યુનિ.કમિશ્નર રહેશે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અર્બન ડેવલપમેન્ટ મીનીસ્ટ્રીના ડીરેક્ટર રાજ્ય સરકારના બે પ્રતિનિધિ તરીકે નાણાંવિભાગ અને સ્ટેટ અર્બન ડેવલપમેન્ટના પ્રિસિપલ સેકેટ્રરી નિષ્ણાંતો તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ બે સભ્યો રહેશે.