કોંગ્રેસના નવા ર૪ કોર્પોરેટરોની દયનીય સ્થિતિ
કોંગી નેતા-ધારાસભ્યોને માત્ર ટિકિટ વહેચણીમાં રસ છે, ઉમેદવારો કે કોર્પોરેટરોની મદદ કરવામાં રસ નથી: આક્ષેપ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં થયેલા કારમા પરાજય બાદ પણ કોંગ્રેસના નેતાઓ જાગૃત થયા નથી જેના પરીણામે પાર્ટીના નવા કોર્પોરેટરોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. જયારે પાર્ટીના ર૪ કોર્પોરેટરો પણ અલગ-અલગ જુથમાં વહેચાયા હોવાથી વિપક્ષી નેતાની નિમણૂંક બાદ ભડકો થાય તેવી શક્યતા નિષ્ણાતો વ્યકત કરી રહયા છે. કોંગ્રેસના નેતાઓને ટીકિટ વહેંચણીમાં જ રસ છે. ઉમેદવારોને જીતાડવામાં કે તેમની મદદ કરવામાં કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કે સ્વયંમ બની બેઠેલા ગોડફાધરોને કોઈ જ રસ નથી તેવા ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે માત્ર ર૪ બેઠકો આવી છે. જે પૈકી પ૦ ટકા કોર્પોરેટરોની પ્રથમ ટર્મ છે. પાર્ટીના ર૪ કોર્પોરેટરોને મનપામાં સર્ટી જમા કરાવવા કે મેયર, ડે.મેયર પદ માટે ઉમેદવાર ઉભા રાખવાની પ્રક્રિયા સમજાવી શકે તેવી સક્ષમ વ્યક્તિ પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવી નથી. મ્યુનિ. કોંગ્રેસના મંત્રી જગદીશભાઈ પઢિયારે પક્ષના હિતને ધ્યાનમાં લઈને આ જવાબદારી સંભાળી છે. મ્યુનિ. સેક્રેટરી ઓફીસ તરફથી નવા કોર્પોરેટરોના સર્ટી જમા કરાવવા માટે વિપક્ષી નેતાના પી.એ. ને સુચના આપવામાં આવી હતી પરંતુ તેમણે આ અંગે કોર્પોરેટરોને સુચિત કર્યા ન હતા
જેના કારણે બીજા દિવસે તમામ કોર્પોરેટરોને દોડધામ થઈ ગઈ હતી. ભાજપ દ્વારા આગામી સપ્તાહમાં મેયર સહીતના હોદ્દેદારોની જાહેરાત માટે સામાન્ય સભા બોલાવવા કમિશ્નર સુચના આપી શકે છે. તેવા સંજાેગોમાં કોંગ્રેસ પક્ષે હજી સુધી વિપક્ષી નેતાના નામની ચર્ચા પણ કરી નથી. સુત્રોએ જણાવ્યા મુજબ નેતાપદ મુદ્દે ર૪ કોર્પોરેટરો પણ ત્રણ જુથમાં વહેંચાયા છે તેથી કોઈ એક પક્ષને ન્યાય મળ્યા બાદ બાકીના કોર્પોરેટરોને સાચવવા મુશ્કેલ થઈ શકે છે. કોંગ્રેસ પક્ષ તરફથી નેતાની નિમણૂંક થાય તો મ્યુનિ. બોર્ડમાં શાસક પક્ષ માટે મેયર કે ડે. મેયરની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી ચૂંટણી કરાવી લોકશાહીને જીવંત રાખી શકે છે.
અન્યથા મ્યુનિ. કોર્પોરેશનમાં વધુ એક વખત શરણાગતિ સ્વીકારવામાં આવે તેવા માહોલનું નિર્માણ થઈ શકે છે. કોંગ્રેસ પ્રદેશ અને શહેર હોદ્દેદારો, ધારાસભ્યો તથા સ્વયં બની બેઠેલા રાજકીય ગોડ ફાધરોને માત્ર ટિકિટ વહેચણી સમયે જ જાહેરમાં જાેવા મળે છે. ટિકિટ વહેચણી પ્રક્રિયાપૂર્ણ થયા બાદ ઉમેદવારોની કોઈ દરકાર કરવામાં આવતી નથી તથા ઉમેદવારોને થતી તકલીફ અથવા ન્યાયિક પ્રક્રિયા માટે લડવા માટે પણ કોઈ નેતા આગળ આવતા નથી. મ્યુનિ. કોર્પોરેશનમાં ભુલે ચુકે બહુમતિ મળી હોત તો હાલ “આરામ” ફરમાવી રહેલા નેતાઓ વધુ એક વખત શહેરમાં બાખડતા જાેવા મળી શકે તેમ હતા. કોંગ્રેસના નેતાઓને ચૂંટણી જીતવા કરતા નવા ઉમેદવારોને ટિકિટ અપાવી ફંડ ભેગા કરવામાં જ વધુ રસ હોવાના આક્ષેપ ચૂંટણી પહેલા થયા હતા. નબળી માનસિકતા ધરાવતા નેતાઓના કારણે રાજયમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે તેમજ સ્થાનિક કક્ષાએ ધ્યાન આપવામાં નહી આવે તો કોર્પોરેટરોની સંખ્યા ર૪માંથી ૧૪ થવામાં સમય નહિ લાગે તેમ નિષ્ણાતો માની રહયા છે.
નોંધનીય બાબત એ છે કે ટિકિટ વહેચણી સમયે જે ચાર ધારાસભ્યો “મારા તે સારા” મુજબ લોબીંગ કરતા હતા તે પૈકી એક પણ ધારાસભ્ય પોતાની ફરજ સમજીને ર૪ કોર્પોરેટરોને મનપાની પ્રક્રિયા સમજાવવા તૈયાર નથી. ચાર પૈકી બે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને ઈમરાન ખેડાવાળા કોર્પોરેટર રહી ચુકયા છે જયારે હિંમતસિંહ પટેલ તો મેયર અને વિપક્ષી નેતા પદે પણ રહી ચુકયા છે તેથી ૧૦-૦ ની પછડાટને ભુલી ર૪ કોર્પોરેટરોને તમામ પ્રક્રિયા સમજાવી તૈયાર કરે તો તેઓ ૧૬૦ને ભારે પડી શકે તેમ છે તેમ કોંગ્રેસના આંતરીક સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.