Western Times News

Gujarati News

કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવીએ પહેરી આપની ટોપી

વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ ભાજપમાં જાેડાયા

અમદાવાદ,  ચૂંટણી આવતા જ પક્ષપલટાના ખેલ શરૂ થઈ છે, ગુજરાતમાં હાલ એક્ટિવ ત્રણ મોટી રાજકીય પાર્ટીમાં એકબીજાના ઉમેદવારોનું આવનજાવન શરૂ થઈ ગયુ છે. ત્યારે આ પક્ષપલટાની મોસમમાં કોંગ્રેસને આજે રવિવારે ડબલ ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. તો બીજી તરફ, વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જાેડાયા છે. આમ, આજે ૨૪ એપ્રિલે એક જ દિવસમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. જે નેતાઓની નારાજગી બતાવે છે.

ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાસ ગઢવી AAPમાં જાેડાયા છે. કૈલાસ ગઢવી તેના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ઈસુદાન ગઢવી અને AAP ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહની હાજરીમાં તેઓ આપમાં સામેલ થયા હતા.

આપમાં જાેડાયેલા કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. આજે ૨૭ વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. ૨૦ સીટો જીતવા લાયક હતી જે પાર્ટીએ જીતનારાને ન આપી અને હારી ગયા.

તો બીજી તરફ, વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જાેડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મણિલાલ વાઘેલાને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્ય હતો. વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જાેડાયા. વડગામના મગરવાડામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સીઆર પાટીલના હસ્તે ખેસ પહેરી મણિલાલ વાઘેલાએ કેસરિયા કર્યા.

જેમાં મણીલાલ વાઘેલાએ કહ્યું કે, વડગામનો વિકાસ થાય તે માટે હું ભાજપમાં જાેડાયો છું. મારે ટિકિટ બાબતે કોઈ જ ચર્ચા નથી થઈ. પણ પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને અમે જીતાડીશું. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં તડજાેડની રાજનીતિ તેજ થઈ છે..ત્યારે મણિલાલ વાઘેલના કેસરિયાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે. રોજેરોજ કોઈને કોઈ નેતાઓની પક્ષ પ્રત્યે નારાજગીના સૂર ઉઠી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ બાકાત નથી. હાલ તેઓ પણ કોંગ્રેસના સિનીયર નેતાઓની કામગીરીથી નારાજ છે. આ નારાજગી હવે પક્ષપલટામાં પરિણમી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.