કોંગ્રેસના સિવિલમાં ઓક્સિજનના બાટલા સાથે વિરોધ, કાર્યકરોની અટકાયત

રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરતાં રાજકોટમાં આજે સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી . આજે વિજય રૂપાણીનો જન્મ દિવસ હોવાથી તેઓ પોતાના હોમટાઉનમાં હતાં અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી ત્યારે ભાજપના સંવેદના દિવસ સામે આજે કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના સંકુલમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે પહોંચ્યા હતા અને આરોગ્ય બચાવો તથા હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જાેકે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત તમામ કાર્યકરની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા આરોગ્ય સેવા નબળી હોવાના અને આરોગ્ય બચાવોના આક્ષેપ સાથે વિરોધપ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ જાેડાયા હતા, પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલના સંકુલમાં પ્રવેશ્યા હતા. જાેકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે પહોંચી વિરોધપ્રદર્શન કરે એ પહેલાં જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે અર્જુન મોઢવાડિયા સહિત તમામની અટકાયત કરી હતી.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પૂરી થઇ એને થોડો સમય જ થયો છે. દેશની અંદર છેલ્લા ૧૦૦ વર્ષની અંદર જેટલી જાનહાનિ ન થઇ હોય એટલી જાનહાનિ થઇ છે. દેશની અંદર એક અંદાજ મુજબ ૫૦ લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતની અંદર લગભગ બેથી અઢી લાખનાં મોત થયાં હતાં. આવા સમયે શોક મનાવવાને બદલે ભારતીય જનતા પાર્ટી ઉત્સવ ઊજવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપની નિષ્ફળતાને કારણે લોકો મૃત્યુ પામ્યા છે.
કોંગી આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે આરોગ્યક્ષેત્રે સરકારની કામગીરી નબળી છે. આરોગ્યને લઇને લોકો પરેશાન છે. આરોગ્યનાં યોગ્ય કામ કરવામાં આવતાં નથી. સિવિલ સંકુલમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઓક્સિજનના બાટલા ખંભા પર નાખી હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, આથી પોલીસ ઓક્સિજનના બાટલા આંચકવા જતાં જ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરવા પહોંચેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસ-અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની પણ પોલીસે અટકાયત કરી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જનની ઓફિસે ખાતે ઓક્સિજનના બાટલા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન મોઢવાડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ હિતેષ વોરા, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સોરાણી, અર્જુન ખાટરીયા, મહેશ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશ મકવાણા, ભરત મકવાણા, મનીષાબા વાળા, રણજીત મુંધવા, ભાવેશ પટેલ સહિતનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.