Western Times News

Gujarati News

કોંગ્રેસના ૨૦ જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માગ્યો

ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે કોંગ્રેસે પણ એક્ટિવ થવાના પ્રયાસ શરુ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે

(એજન્સી) અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસની સરકાર દેશમાં માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં જ રહી છે. આવામાં ગુજરાતમાં નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ પણ એક્ટિવ થવાના પ્રયાસ શરુ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં સીજે ચાવડા, કિરીટ પટેલ, લલિત કગથરા, રઘુ દેસાઈ, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના ૨૦ જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને સંયુક્ત રીતે પત્ર લખીને મળવા માટેનો સમય માગ્યો છે.

દ્વારકામાં આયોજીત કરાયેલી શિબિર દરમિયાન આ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પોતાની વાત રજૂ ના કરી શક્યા હોવાથી તેઓ તેમને મળવા માગતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય સ્થાનિક કોંગ્રેસમાં પડતા ફાંટા અને ટૂંકડીઓને કારણે પાર્ટીને નુકસાન થતું હોવાના મુદ્દે પણ રજૂઆત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

ભાજપે ચાર રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિણામના બીજા જ દિવસે ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા, આ દરમિયાન તેમણે ૧૦ કિલોમીટરથી લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો અને તેમના વિવિધ કાર્યક્રમોને આગામી ચૂંટણી સાથે સાંકળવામાં આવી રહ્યા છે. જાેકે, ભાજપે કમલમ ખાતે થયેલી બેઠકને ચૂંટણીલક્ષી હોવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ હોવાના અહેવાલ વહેતા થયા છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોંગ્રેસના ધારાસભ્યોની ટીમ રાહુલ ગાંધીને મળીને પોતાના મનની વાત કરવા માગે છે. આ દરમિયાન આગામી ચૂંટણી, કોંગ્રેસની રણનીતિ, હાલની પાર્ટીની રાજ્યમાં સ્થિતિ, ભાજપની તૈયારીઓ અને પોતાના અંગત પ્રશ્નો વગેરેની રજૂઆત કરવામાં આવી શકે છે.

મહત્વનું છે કે ૩૭ વર્ષ પછી જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જાેડાયા અને હાલના ધારાસભ્યોમાં નારાજગી સહિતના મુદ્દાની પણ રજૂઆત કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને રાજ્ય પર કોંગ્રેસની પકડ આગામી સમયમાં કેવા પગલા ભરવા મતદારોન રિઝવવા માટે શું કરવું

તે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને માર્ગદર્શન મેળવવા માટેનો પ્રયાસ કરી શકે છે. પાંચ રાજ્યોના પરિણામોમાં કોંગ્રેસને પડેલો ફટકો અને આગામી ગુજરાતની ચૂંટણીમાં સ્થિતિને સુધારવા માટે કયા રસ્તે આગળ વધવું પ્રચારનો પ્રારંભ વગેરે મુદ્દાનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ સિવાય હાલના સંગઠનમાં કોઈ જરુરી સૂચન કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.