Western Times News

Gujarati News

કોંગ્રેસની મહિલા કોર્પોરેટરે ડોકટરને થપ્પડ મારી દીધી

અમદાવાદ : જામનગરમાં ડેન્ગ્યુને ડામવા આરોગ્ય વિભાગના ડોકટરો સહિતની ટીમ દ્વારા શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન ફોગીંગ મશીન બગડતાં વોર્ડ નંબર ૧૨ ના કોંગ્રેસ મહિલા નગરસેવિકાએ આરોગ્ય વિભાગના ડોક્ટરને લાફો ઝીંકી દેતાં બહુ ગંભીર વિવાદ સર્જાયો હતો. જેને લઈને મનપાના સહિત આરોગ્ય વિભાગના ડોક્ટરો અને તમામ હેલ્થ વર્કરોએ આવતીકાલે ડેન્ગ્યુની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો.

જામનગર શહેરમાં ડેન્ગ્યુને ડામવા આરોગ્ય વિભાગની ટીમો શહેરના જુદાજુદા વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. ત્યારે આજે શહેરના વોર્ડ નંબર ૧૨ માં આવેલ ઘાંચીવાડ વિસ્તારમાં ડોક્ટરો સહિત આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી હતી

એ સમય દરમ્યાન ફોગીંગ મશીન બગડતાં તે વિસ્તારના કોંગ્રેસના મહિલા નગરસેવક જૈનમ ખફીએ આરોગ્ય વિભાગના ડોક્ટર મનોજ નકુમને આવેશમાં આવી લાફો ઝીંકી દીધો હતો. એટલું જ નહી, અન્ય સ્ટાફ સાથે પણ ઝપાઝપી તેમજ અશોભનીય વર્તન કરતા આરોગ્ય વિભાગની ટીમો ભારે નારાજગી સાથે તાત્કાલિક કામગીરી બંધ કરી મનપાની કચેરીએ પહોંચી હતી.

બીજીબાજુ, લાફાનો ભોગ બનનાર ડોક્ટર સહિત આરોગ્ય વિભાગના અન્ય સ્ટાફ કર્મીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરમાં ૪૦૦ થી વધુ જે આરોગ્ય વિભાગના કર્મીઓ હાલ ડેન્ગ્યુની કામગીરી રહ્યા છે

તે સૌ કોઈ એક જ માંગ કરી કે જા, આ પ્રકારની દાદાગીરી કરનાર નગરસેવિકા સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી શહેરમાં ડેન્ગ્યુની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સતત દિવસ રાત ડેન્ગ્યૂની કામગીરી કરવા છતા પણ કોંગ્રેસ મહિલા નગરસેવક દ્વારા આ પ્રકારનું અશોભનીય વર્તન કરતા આરોગ્ય વિભાગના કર્મીઓમાં નારાજગી જોવા મળી હતી.

જ્યારે મનપાના કમિશ્નરને પણ આરોગ્ય વિભાગના ડોક્ટર અને હેલ્પર વરકરોએ આ ઘટના અંગે રજૂઆત કરી ત્યારે કમિશનરે જણાવ્યું કે જે કંઇ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. જો ડોક્ટર દ્વારા મનપાને લેખિત ફરિયાદ આપવામાં આવશે તો નગરસેવિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવાશે. પરંતુ હાલ ડેન્ગ્યુની કામગીરીને કોઇ બાધા ન આવે તે માટેની તકેદારી રાખી આવતીકાલથી ડેંગ્યૂની કામગીરી શહેરમાં અવિરત ચાલુ રાખવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.