કોંગ્રેસમાં ધમાસાણઃ રાહુલ ગાંધી અને સિનિયર નેતાઓ વચ્ચે ખેંચતાણ
નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિગ કમિટિની સોમવારે બપોર પછી મળેલી બેઠકમાં ખૂબ જ ગરમાવો જાેવા મળ્યો હતો. કોંગ્રેસમાં માળખાંની અંદર વ્યાપક પ્રમાણમાં ફેરફાર કરવા માટે કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, આનંદ શર્મા સહિતનાં ૨૩ નેતાઓએ પત્ર લખ્યો હતો. આ પત્રના અનુસંધાનમાં આજે બપોરથી ભારે ઉહાપોહ મચેલો છે.
આ પત્રની સામે કોંગ્રેસના યુવાનેતા રાહુલ ગાંધીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પત્ર લખનાર તમામ નેતાઓની ભાજપ સાથે સાંઠગાંઠ છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કપિલ સિબ્બલે ટ્વીટર ઉપર રાહુલ ગાંધી સામે બળાપો કાઢ્યો હતો. જાેકે, દેશભરના રાજકારણમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બનતાં આખરે મામલાને થાળે પાડવા માટે કોંગ્રેસના અન્ય નેતાઓ મેદાનમાં આવી ગયાં છે.