કોંગ્રેસમાં રાહુલ-પ્રિયંકાના નેતૃત્વ સામે ફરીવાર સવાલ
નવી દિલ્હી: દેશના ૫ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હારના સિલસિલાને તોડવામાં નિષ્ફળ સાબિત થઈ છે જેથી પાર્ટીનો હાથ ફરી એક વખત ખાલી રહી ગયો છે. રાહુલ ગાંધીએ કેરળમાં જ્યારે પ્રિયંકા ગાંધીએ આસામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સંજાેગોમાં આસામ અને કેરળમાં તમામ સંભાવનાઓ છતાં પાર્ટીની હારથી રાહુલ-પ્રિયંકાના નેતૃત્વની રણનીતિ સામે સવાલો સર્જાયા છે. પાર્ટીમાં ઉઠી રહેલા વિદ્રોહ અને વધી રહેલા અસંતોષ વચ્ચે કોંગ્રેસના પરાજયે બાગી નેતાઓને ગાંધી પરિવાર વિરૂદ્ધ મોરચો માંડવાની તક આપી દીધી છે.
તાજેતરમાં યોજાયેલી ૫ રાજ્યોની ચૂંટણી રણનીતિનું સંચાલન સંપૂર્ણપણે કોંગ્રેસના વર્તમાન નેતૃત્વ અને તેમના અંગત ગણાતા પાર્ટી રણનીતિકારોના હાથમાં જ રહ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલના વાયનાડ ખાતેથી સાંસદ હોવાના કારણે વિધાનસભા ચૂંટણીમાં તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. આ કારણે જ રાહુલે સૌથી વધારે ફોકસ કેરળના ચૂંટણી પ્રચાર પર રાખ્યું હતું જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને આસામ પ્રચારમાં રોકી હતી. જાે કે, ૫ રાજ્યોમાંથી તે બંનેએ પોતાને મુખ્યત્વે ૨ રાજ્યો પર જ કેન્દ્રિત રાખ્યા હતા.
તેમ છતાં ગાંધી પરિવારના બંને નેતા પોતપોતાના રાજ્યમાં સફળ નથી રહ્યા. કોંગ્રેસનું નેતૃત્વ સત્તાવિરોધી માહોલ છતાં જનમતને લલચાવવામાં સફળ નથી રહ્યું.
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફરી એક વખત પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યું છે. જ્યારે કોંગ્રેસનો બદરૂદ્દીન અજમલની પાર્ટી સાથે ગઠબંધન કરવાનો દાવ પણ નિષ્ફળ ગયો છે. એટલું જ નહીં, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામમાં ચૂંટણી પ્રબંધનની જવાબદારી સોંપીને પ્રિયંકાએ એક નિર્ણાયક પ્રયોગ પણ કર્યો હતો પરંતુ પાર્ટીને તેનો લાભ ન મળ્યો અને કોંગ્રેસ પોતાના જૂના પરિણામોની આજુબાજુમાં જ સમેટાઈ ગઈ.
આ તરફ રાહુલ ગાંધીએ પોતાની જાતને કેરળ પર કેન્દ્રિત રાખી હતી. કેરળમાં એવું માનવામાં આવતું હતું કે, રાહુલ કોંગ્રેસની આગેવાનીવાળા યુડીએફના પક્ષમાં એક સકારાત્મક માહોલ બનાવી શકશે કારણ કે, તેઓ પોતાના પ્રચારની રીત બદલીને લોકો વચ્ચે હળીમળીને સંવાદ સાધી રહ્યા હતા. તેમ છતાં રાહુલ ગાંધી વામમોરચાના પિનરાઈ વિજયનના રાજકીય વર્ચસ્વને તોડવામાં અસફળ રહ્યા. કેરળના રાજકીય ઈતિહાસમાં ૪ દશકા બાદ કોઈ પાર્ટી સતત બીજી વખત સત્તામાં વાપસી કરી શકી છે.
આસામ અને કેરળના પરિણામોથી એ પણ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ સત્તાવિરોધી માહોલ છતા જનમત મેળવવામાં અસફળ રહ્યું છે. કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી પહેલા જ ૫ રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીના લચર પ્રદર્શનને લઈ ગાંધી પરિવાર સામે સવાલ થઈ શકે છે. બંગાળમાં કોંગ્રેસનું ખાતું જ ન ખુલવું, આસામ-કેરળમાં આકરો પરાજય તથા પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ પાર્ટીમાં ફરી એક વખત ઉથલપાથલના અણસાર વધી ગયા છે કારણ કે પાર્ટીના અસંતુષ્ટ સમૂહ (જી-૨૩)ના નેતાઓ સતત કોંગ્રેસના સંકોચાઈ રહેલા આધાર સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. આ સંજાેગોમાં પાર્ટીનું આ વિદ્રોહી ગ્રુપ ફરી એક વખત મોરચો માંડી શકે છે.
આ પરિણામો બાદ કોંગ્રેસના ટોચના નેતૃત્વ માટે પાર્ટીની વર્તમાન સ્થિતિ અંગે જે સવાલો ઉઠાવવામાં આવશે તેનો જવાબ આપવો ભારે પડી જશે. ખાસ કરીને આ કારણે જ પાર્ટીની નબળી સ્થિતિ અને નેતૃત્વની વિમાસણને લઈ સવાલ કરનારા અસંતુષ્ટ નેતાઓની ૫ રાજ્યોની ચૂંટણી દરમિયાન કોઈ ભૂમિકા નહોતી. આ સંજાેગોમાં વિદ્રોહી જૂથને ગાંધી પરિવારને ઘેરવાની મોટી તક મળી ગઈ છે.