કોંગ્રેસમાં રાહુલ-પ્રિયંકાના નેતૃત્વ સામે ફરીવાર સવાલ

નવી દિલ્હી, દેશના ૫ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હારના સિલસિલાને તોડવામાં નિષ્ફળ સાબિત થઈ છે જેથી પાર્ટીનો હાથ ફરી એક વખત ખાલી રહી ગયો છે. રાહુલ ગાંધીએ કેરળમાં જ્યારે પ્રિયંકા ગાંધીએ આસામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સંજાેગોમાં આસામ અને કેરળમાં તમામ સંભાવનાઓ છતાં પાર્ટીની હારથી રાહુલ-પ્રિયંકાના નેતૃત્વની રણનીતિ સામે સવાલો સર્જાયા છે.
પાર્ટીમાં ઉઠી રહેલા વિદ્રોહ અને વધી રહેલા અસંતોષ વચ્ચે કોંગ્રેસના પરાજયે બાગી નેતાઓને ગાંધી પરિવાર વિરૂદ્ધ મોરચો માંડવાની તક આપી દીધી છે. તાજેતરમાં યોજાયેલી ૫ રાજ્યોની ચૂંટણી રણનીતિનું સંચાલન સંપૂર્ણપણે કોંગ્રેસના વર્તમાન નેતૃત્વ અને તેમના અંગત ગણાતા પાર્ટી રણનીતિકારોના હાથમાં જ રહ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલના વાયનાડ ખાતેથી સાંસદ હોવાના કારણે વિધાનસભા ચૂંટણીમાં તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. આ કારણે જ રાહુલે સૌથી વધારે ફોકસ કેરળના ચૂંટણી પ્રચાર પર રાખ્યું હતું જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને આસામ પ્રચારમાં રોકી હતી. જાે કે, ૫ રાજ્યોમાંથી તે બંનેએ પોતાને મુખ્યત્વે ૨ રાજ્યો પર જ કેન્દ્રિત રાખ્યા હતા. તેમ છતાં ગાંધી પરિવારના બંને નેતા પોતપોતાના રાજ્યમાં સફળ નથી રહ્યા.
કોંગ્રેસનું નેતૃત્વ સત્તાવિરોધી માહોલ છતાં જનમતને લલચાવવામાં સફળ નથી રહ્યું. આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફરી એક વખત પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યું છે. જ્યારે કોંગ્રેસનો બદરૂદ્દીન અજમલની પાર્ટી સાથે ગઠબંધન કરવાનો દાવ પણ નિષ્ફળ ગયો છે.
એટલું જ નહીં, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામમાં ચૂંટણી પ્રબંધનની જવાબદારી સોંપીને પ્રિયંકાએ એક નિર્ણાયક પ્રયોગ પણ કર્યો હતો પરંતુ પાર્ટીને તેનો લાભ ન મળ્યો અને કોંગ્રેસ પોતાના જૂના પરિણામોની આજુબાજુમાં જ સમેટાઈ ગઈ.