કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું ૮૧ વર્ષે નિધન
કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઈ ગયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. સવારે તબિયત બગડતા તેમને રાજ્યની એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અશોક સેઠે જણાવ્યું કે, સારવાર દરમિયાન બપોરે ૩.૧૫ વાગે શીલા દીક્ષિતને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારપછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શીલા દીક્ષિત ૧૫ વર્ષ (૧૯૯૮થી ૨૦૧૩) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હાલ તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા.
શીલા દીક્ષિતનો જન્મ ૩૧ માર્ચ ૧૯૩૮માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ૨૦૧૪માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે ૨૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા. શીલા દીક્ષિત ૧૯૮૪થી ૧૯૮૯ સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યા હતા. ૧૯૮૬-૧૯૮૯ સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શીલા ૧૯૯૮થી ૨૦૧૩ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.