Western Times News

Gujarati News

કોંગ્રેસે અડચણો ઉભી કરી પણ મંદિરનો માર્ગ મોકળો

લાતેહાર: ઝારખંડમાં ફરી એકવાર સત્તામાં ભારતીય જનતા પાર્ટીની વાપસી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે પોતે જવાબદારી હાથમાં લઇ લીધી છે. ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગુ પણ ફુંકી દીધું છે. ઝારખંડમાં લાતેહારમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અનેક અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસે અયોધ્યા મામલામાં અડચણો ઉભી કરી હતી. કોર્ટના ચુકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. હવે ત્યાં આસમાનને સ્પર્શ કરે તે રીતે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

શાહે જમ્મુ કાશ્મીરમાંથી ખાસ દરજ્જા પરત લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ ંકે, કોંગ્રેસ પાર્ટીએ પોતાની વોટ બેંકની લાલચમાં આ મામલાને ૭૦ વર્ષથી લટકાવીને રાખી રહી હતી પરંતુ વડાપ્રધાન મોદીએ ભારત માતાના મુગટ પર લાગેલા કલમ ૩૭૦ના કલંકને દૂર કરી દીધો છે.

કાશ્મીરના વિકાસના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે. ફરીથી પૂર્ણ બહુમતિની સરકાર બન્યા બાદ પ્રથમ જ સત્રમાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એને દૂર કરવાનું કામ મોદી સરકારે કર્યું હતું. ગૃહમંત્રીએ રેલીમાં આદિવાસી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. શાહે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ સરકારે પાંચ વર્ષના ગાળામાં આદિવાસીઓના ગૌરવને વધારવા માટે કોઇ કામ બાકી રાખ્યું નથી. ભાજપ સરકારે આદિવાસીઓના વિકાસ માટે ડિસ્ટ્રીક્ટ મિનિરલ ફંડ હેઠળ ૩૨૦૦૦ કરોડ રૂપિયા પુરા પાડ્યા છે.

આદિવાસી ભાઈ અને બહેનોના બાળકોના શિક્ષણ માટે વડાપ્રધાને દેશભરના દરેક આદિવાસી બ્લોકમાં એકલવ્ય સ્કુલ બનાવ્યા છે. પાંચ વર્ષની અંદર દેશમાં ૪૩૮ એકલવ્ય સ્કુલનું નિર્માણ કરવામાં આવી ચુક્યું છે. શાહે કહ્યું હતું કે, આદિવાસીઓના શિક્ષણ માટે પણ ભાજપ દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

આ હેઠળ પાંચ વર્ષની અંદર દેશભરમાં ૪૩૮ એકલવ્ય સ્કુલ બનાવાયા છે. ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે, ભાજપની રઘુવરદાસ સરકારે પાંચ વર્ષમાં પ્રદેશથી નક્સલવાદને ખતમ કરવાનું કામ કર્યું છે. નક્સલવાદને ખતમ કરવાની દિશામાં અનેક પગલા લેવામાં આવ્યા છે. અયોધ્યા વિવાદ પર વાત કરતા શાહે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે પરંતુ કોંગ્રેસ પાર્ટી કેસ જ ચાલવા દેતી ન હતી જેથી નિર્ણય લઇ શકાયો ન હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.