કોંગ્રેસે ગરીબી તો ના હટાવી પણ ગરીબોને હટાવ્યા: શાહ
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો સાથે જ સીએમ રૂપાણી અને નીતિન પટેલની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે કલોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ગાધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાનું સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું.
ગાંધીનગર પહેલું કેરોસીન મુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે તેના શાસન દરમ્યાન ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે, જયારે મોદી સરકારે સાચા અર્થમાં ગરીબી હટાવવાની શરૂઆત કરી છે. અમિત શાહે ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું.
શાહે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, હું ગાંધીનગરમાં સંસદ સભ્ય તરીકે આવ્યો છું. ગાંધીનગર પહેલું કેરોસિન મુક્ત શહેર બન્યું છે. ગુજરાતમાં ઝૂંપડીને ધુમાડામાથી મુક્ત કરવાનું પીએમનું સ્વપ્ન હતું, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. પાંચ વર્ષમાં ૧૩ કરોડ લોકોને ગેસ સિલિન્ડર આપ્યા છે. રાજ્યમાં પાઈપલાઈનથી શુદ્ધ પાણી આપવાનો પીએમનો સંકલ્પ પણ પુરો થવા જઇ રહ્યો છે. સંસદ સભ્ય પોતાના વિસ્તારને ઠીક કરે તો દેશ ઠીક થઈ જાય છે.
દેશભરના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર ઉત્તમ ક્ષેત્ર છે. ગરીબીના નામે કોંગ્રેસે ગરીબોને હટાવ્યા સિવાય કંઇ કામ કર્યું નથી. તો વિશ્વને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં ભારતનું નેતૃત્વ હોવાની પણ તેમણે વાત કરી હતી અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી ખાસ કરીને મહિલાઓ અને બહેનોને પ્લાસ્ટિકની થેલીના બદલે કપડા કે કાગળની થેલી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. અગાઉ અમિત શાહે કલોલમાં ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કલોલ-મહેસાણા બ્રીજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લો મુક્યો હતો. અમિત શાહે બ્રીજ ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી હતી.
આ બ્રીજ રૂ. ૬૫ કરોડના ખર્ચે બનેલા નવા બ્રીજના લોકાર્પણને લઇ સ્થાનિકોમાં ખુશીની લાગણી પ્રવર્તી ગઇ હતી. શાહે કલોલ એપીએમસી ખાતે પણ ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. શાહ બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, ત્યારે બે દિવસમાં રૂ. ૧૩૭૮ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. કાળી ચૌદશના દિવસે ૩૨ હજાર લોકોને વિકાસકાર્યોનો લાભ આપશે. આવતીકાલે પાલડી-વાસણા વચ્ચેના સવા કિલોમીટર લાંબા અંજલિ ફલાયઓવર બ્રીજનું પણ શાહ દ્વારા લોકાર્પણ થવાનું છે ત્યારે તેને લઇને પણ તૈયારીઓ કરાઇ છે.