કોંગ્રેસે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે મનસુખ માંડવીયાના કાર્યક્રમમાં કાળા વાવટા ફરક્યા
રાજકોટ, રાજકોટ જીલ્લામાં ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. જેમાં ફટાકડા, ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. જ્યાંથી તેઓ જનયાત્રા અંતર્ગત ગોંડલ ગયા હતા. ગોંડલ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પહોચ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું સ્વાગત કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની ગોંડલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર આગેવાનોને સંબોધતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેમને ૧૦૦ જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા જાેરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત ભાજપ દ્વારા ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા પાંચ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જન સંપર્ક યાત્રા યોજી સરકારને કાર્યને પ્રજા સમક્ષ રજૂ કરી સરકારની સારી છાપ ઉભી કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ અંતર્ગત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ દ્વારા યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુરૂવારના રોજ રાજકોટ જીલ્લાની મુલાકાતે આવ્યા હતા.HS