કોંગ્રેસે હરખાવાની જરૂર નથી : રૂપાણી
અમદાવાદ: દાહોદ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે આજે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ કેતનભાઇ સાથે વાત કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, કેતનભાઇ જવાબદાર વ્યક્તિ છે, તેઓ માની જશે. તેમની જે લાગણી હશે, તે માટે જીતુભાઇ વાત કરી રહ્યા છે. ઘીના ઠામમાં ઘી પડવાનું છે. કોંગ્રેસે હરખાવાની જરૂર નથી.
કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઇનમાં છે. તે મારે કહેવાની જરૂર નથી.મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સરકાર ગંભીરતા સાથે કામોના નિવારણ માટે પ્રયાસો કરતી હોય તેમછતાં જા કોઇ પ્રશ્ન કે સમસ્યા આવી હશે તે મુદ્દે સમાધાનના પ્રયાસો ચાલુ છે
પરંતુ તેમાં કોંગ્રેસે હરખાવાની કે દખલગીરીની કોઇ જરૂર નથી. ધારાસભ્યોના કે પ્રજાના કામો કરવામાં સરકાર ગંભીર રહેતી હોય છે કયારેક કોઇ સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે પરંતુ કોંગ્રેસે ભાજપના આ આંતિરક મામલામાં હરખાવાની જરૂર નથી,
કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઇનમાં છે તે કહેવાની મારે જરૂર નથી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપતા ભાજપામાં ભૂકંપ સર્જાયો છે અને કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી તાલુકામાં એક પછી એક ૩૦૦થી વધુ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓએ રાજીનામાં આપી દેતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા સાવલી ખાતે દોડી ગયા હતા.
જ્યાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, હું જિલ્લા ભાજપના પ્રમુખના હોદ્દાના ભાગરૂપે સાવલી આવ્યો છે. પ્રદેશના નેતાઓની કેતનભાઇ સાથે વાતચીત ચાલી રહી છે. હું ઇચ્છું છું કે, કેતનભાઇ ઇમાનદાર સહિત ભાજપાના તમામ હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકરો સાથે રહે છે. આ સમગ્ર પ્રશ્નનો સમાધાનકારી સુખદ ઉકેલ આવી જશે તેવી તેમણે આશા વ્યકત કરી હતી.