કોંગ્રેસ કોરોનાની ઝપટમાં, બદરુદ્દીન શેખ પણ પોઝિટિવ જાહેર
જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કોરોના પોઝીટીવ જાહેર થતા જ ગુજરાત માં કોરોના ભૂંકપ આવી ગયો છે.ખેડાવાળા નો રિપોર્ટ જાહેર થયો તેના ત્રણ કલાક પહેલાં જ તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મીટિંગ કરી હતી. ખેડાવાળાના રીપોર્ટ બાદ આજે કોંગી કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ લોકોને મળનાર ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, પત્રકારો અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં કોંગ્રેસને કોરોના એ ઝપટમાં માં લીધી હોય તેવો માહોલ જોવા મળે છે.
ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જયારે બે ધારાસભ્ય ના રિપોર્ટ લેવામાં આવ્યા છે. બે દિવસ પહેલા ઓઢવ માં કોંગી કાર્યકર નો પોઝિટિવ જાહેર થયા બાદ વધુ બે કાર્યકરો પણ કોરોના ની ઝપટ માં આવી ગયા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા મંગળવાર સાંજે કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. બે – ત્રણ દિવસથી તાવ ની અસર હોવાથી સોમવારે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. નિયમ મુજબ શંકાસ્પદ દર્દી ના સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેને ક્વોરેન્ટાઇ કરવામાં આવે છે.
પરંતુ આ કેસ માં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ધારાસભ્ય બંને બેદરકાર સાબિત થયા છે. કોરોના નો રિપોર્ટ ન આવ્યો હોવા છતાં ઈમરાન ખેડાવાળા એ મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી હતી. તેમની સાથે કોંગ્રેસ ના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે આ ત્રણેય ધારાસભ્યો એક જ ગાડીમાં ગાંધીનગર ગયા હતા.જ્યાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રી સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ તેઓ પોલીસવડા ને મળ્યા હતા તેમજ પત્રકાર પરિષદ પણ કરી હતી. ઈમરાન ખેડાવાળા અને કોર્પોરેશન ના અધિકારીઓની જેમ મુખ્યમંત્રી નો સ્ટાફ પણ બેદરકાર સાબિત થયો હતો તથા ધારાસભ્યના થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવ્યું ન હતું. મુખ્યમંત્રીને મળતા પહેલા તમામ વ્યક્તિના સ્ક્રેનીંગ કરવા ફરજીયાત છે.
જમાલપુર ના ધારાસભ્ય નો રીપોર્ટ જાહેર થયા બાદ તેમને મળનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના આજે સવારે સેમ્પલ લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ની મુલાકાત લેનાર આણંદ ના ધારાસભ્ય મિતેષ પટેલ પણ હોમ ક્વોરેન્ટાઇ થયા છે. નિષ્ણાત તબીબી ટીમ ઘ્વારા મુખ્યમંત્રી ની તપાસ કરવામાં આવી છે તેમજ ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા છે જે સારી બાબત છે પરંતુ મુખ્યમંત્રી આવાસ પર તમામ પ્રકારની સુરક્ષા સઘન કરવામાં આવી છે.