કોંગ્રેસ ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ પૂર્વે કોરોના ટેસ્ટ કરાવે
અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ પરવાનગી આપશે તો રાજસ્થાન ગયેલા કોંગ્રેસના સદસ્યોની એક કસોટી થશે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ કસોટીમાં ખરા ઉતરવું પડશે. નીતિન પટેલે ઉમેર્યું કે, ગુજરાત કરતાં રાજસ્થાનમાં કોરોના વાયરસનો કહેર વધારે છે.
આ સ્થિતિમાં કોંગ્રેસના સદસ્યો જયપુરના રિસોર્ટમાં રોકાયેલા છે. રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતા પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ. જા વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપશે તો રાજસ્થાન ગયેલા વિધાનસભાના સદસ્યોનાં સ્વાસ્થ્યની ચકાસણી કરાશે. જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારૂ હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળે તેવું મારૂ આરોગ્ય મંત્રી તરીકે મંતવ્ય છે. નીતિન પટેલના આ નિવેદનને લઇ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને કોંગ્રેસમાં આ નિવેદનને લઇ વિરોધના સૂરમાં પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે.
દરમ્યાન નર્મદા અને કડાણા ડેમમાંથી ખેડૂતોને વધુ ૨૦ દિવસ પાણી પુરૂ પાડવામાં આવશે એમ સ્પષ્ટ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી અને સિંચાઈ માટે નર્મદા અને કડાણાનું પાણી તા.૧૫ માર્ચથી બંધ કરવાનો જે નિર્ણય હતો તે સ્થગિત કર્યો છે. વધુ દિવસ પાણી પૂરૂ પાડવા ખેડૂતોની માંગણી હતી તેના કારણે હવે આગામી ૨૦ દિવસ વધુ કડાણા અને નર્મદાનું પાણી ખેડૂતોને મળશે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની માંગણી મુદ્દે મુખ્યમંત્રી સાથે વિમર્શ કરી આ નિર્ણય કરવામાં આવ્યો છે.