કોંગ્રેસ નેતા અહમદ પટેલને ઈન્કમટેક્સ વિભાગનું તેડુ
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે. આવકવેરા વિભાગે પટેલને રુપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિભિન્ન કંપનીઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીને મોકલવામાં આવેલા 400 કરોડ રુપિયાથી વધારાના હવાલા ટ્રાન્જેક્શનની તપાસ કરી રહ્યું છે. અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અહમદ પટેલને 11 ફેબ્રુઆરીએ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. આ સમન્સ IT ACTની સેક્સન 131 અંતર્ગત મોકલવામાં આવ્યું હતું.
જો કે અહમદ પટેલે તબીયત ખરાબ હોવાનું કારણ જણાવીને ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ સમક્ષ હાજર થયા નહતા. અહમદ પટેલે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને હાલ તેઓ ફરીદાબાદની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હજુ સુધી એવી જાણકારી નથી મળી રહી કે, અહમદ પટેલ આ વખતે પણ આવકવેરા વિભાગ સમક્ષ હાજર થશે કે કેમ? ઈન્કમટેક્સ વિભાગના સમન્સ પર અહમદ પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.